નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા
મુંબઈ એક એવું મહાનગર છે કે અર્વાચીન અને પ્રાચીન રૂઢિનું જીવન જીવી રહ્યું છે. વૈષ્ણવ ધર્મમાં આસ્થા ધરાવનાર માતા ઘરમાં આજે પણ કૂવાના જ પાણીનો ઉપયોગ કરે છે. તો મોડર્ન પુત્રી મધરાત સુધી યુવાન મિત્રો સાથે ડિસ્કો ડાન્સ કરતી હોય છે. અણુસંશોધન કેન્દ્રમાં કાર્યરત રહેતા સંશોધક પોતાની કારને લીંબુ મરચાં બાંધવાનું ભૂલતા નથી અને કેટલાક તો ઓફિસના ટેબલના કાચ નીચે કોઈ ને કોઈ બાબાની છબિ રાખતા હોય છે. અહીં સેટલાઈટ્સ કેબલ્સની મદદથી વિદેશના ટેલિવિઝન કાર્યક્રમો જોનારા છે તો રસ્તા ઉપર વાઘિયા-મુરલી, કડક લક્ષ્મીના ચાબુકના ફટકારા જોવા પણ એ લોકો ઊભા રહી જાય છે. નંદીવાલા પાસે ભવિષ્ય જોડાવવાની ઉત્સુકતા પણ એટલી જ ધરાવે છે. મહાનગર મુંબઈની શેરીઓના આ લોકોના જીવન જેટલા મુશ્કેલીભર્યા છે, આપત્તિભર્યા છે તેટલાં જ રોમાંચક છે.
સવાર પડે છે, સૂરજ માથે ચઢવા માંડે છે અને શેરીઓમાં ઢોલ સાથે દાંડિયા ઘસવાનો અવાજ આવવા માંડે. ઢોલના અવાજ સાથે ફડાફડ ચાબુકના સપાટાનો અવાજ આવે અને બાળકો એ જોવા નીકળી પડે તો કોઈ બાળક ડરીને મા પાસે રસોડામાં પહોંચી જાય. કાળા-શામળા રંગનો, મજબૂત બાંધાનો, માથે સ્ત્રી જેવા લાંબા વાળ અને તેમાં જાણે વરસોથી તેલ જ નાખ્યું ન હોય એવા સૂકા અને કોરા, કમરથી નીચે સુધી રંગબેરંગી કાપડના ટુકડા જોડી સીવેલો લાંબો ચણિયો. કમરથી ઉપર એક પણ વસ્ત્ર નહિ. હાથમાં લાંબો દોરી ગૂંથી બનાવેલો ચાબુક, ડોક અને હાથે સિંદૂર-કંકુ ચોળ્યું હોય. એની સાથે કાળી-સાંવરી બાઈ હોય અને માથે નાનકડું મંદિર મૂક્યું હોય. એ બાઈએ ગળામાં ઢોલ ટીંગાડ્યું હોય અને દાંડિયાથી ઢોલ વગાડતી હોય. ઢોલ વાગતું જાય અને પગે ઘૂઘરા બાંધીને પુરુષ નાચતો જાય. નાચતાં નાચતાં સટાસટ ચાબુક પોતાના ઉઘાડા શરીર પર ફટકારતો જાય. બાંય ઉપર લોહીના ટશિયા પણ ફૂટી નીકળે. આ માણસને ‘પોતરાજ’ કહેવામાં આવે છે અને માથે મૂકેલા મંદિરમાંની દેવી તે ‘કડક-લક્ષ્મી’. એ દેવીને ‘મરીઆઈ’ પણ કહેવામાં આવે છે.
આજે પણ આ લોકો ગલીમાં, બસસ્ટોપ નજીક, ચાલીઓના પ્રાંગણમાં જોવા મળે છે.
મરીઆઈવાળા મૂળ તો આંધ્ર પ્રદેશના અને તેલુગુ ભાષા બોલનારા હોય છે. પેટ ભરવા ખાતર મહારાષ્ટ્રમાં આવ્યા અને મરાઠી ધરતી સાથે એકરૂપ થઈ ગયા. આ પોતરાજના હાથમાં કડક ચાબુક રહેતો હોવાથી સાથેની દેવીને કડકલક્ષ્મી કહેવામાં આવે છે. પોતરાજ કમરેથી લીલા રંગના શણનો ઘાઘરો પણ પહેરે છે. માથાના વાળને છુટ્ટા રાખે છે અથવા અંબોડો બાંધે છે. કપાળ પર ડુબદર-કંકુ લગાડે છે. આત્મકલેશ-આત્મપીડાથી દેવી પ્રસન્ન રહે એવી ચાલી આવેલી માન્યતાથી પોતાના ઉઘાડા શરીર ઉપર ચાબુક ફટકારે છે અને પોતાના હાથમાં બચકાં ભરીને લોહી પણ કાઢે છે.
આ લોકો એક જગ્યાએ ત્રણ દિવસથી અધિક સમય રહેતા નથી. પોતરાજ અને કડકલક્ષ્મી એ બંને જમાત જુદી હોવા છતાં બંનેમાં સરખાપણું છું.
ગામડામાં આ લોકો સામાન્ય રીતે મંગળવારે અને શુક્રવારે ભિક્ષા માગવા નીકળી પડે છે.
પોતરાજ, કડકલક્ષ્મીનું મુખ્ય મથક કોલ્હાપુર જિલ્લાના દહિવડી ગામ ખાતે છે. ત્યાં અષાઢમાં યાત્રા ભરાય છે ત્યારે આ લોકો વિવાહ પણ જોડે છે. એ લોકો અષાઢી લગ્નને મહત્ત્વ આપે છે અને અષાઢી પૂનમ પછી ત્રણ દિવસની લગ્નતિથિ માનવામાં આવે છે. લગ્ન પહેલાં મરીઆઈરની યાત્રા કરવાનો રિવાજ છે. પોતરાજ સમાજમાં વિધવાવિવાહ પર આજે પણ પ્રતિબંધ છે.
પોતરાજ માટે એવી માન્યતા છે કે જો એ ખેતીવાડી કે બીજો ધંધો-નોકરી કરે તો દેવી નારાજ થઈ જાય છે અને પોતરાજના આખા શરીરે ફોલ્લા ફૂટી નીકળે છે. પણ અત્યારના જાગૃત પોતરાજ લોકો હવે શિક્ષણ મેળવીને નોકરી-ધંધા કરવા લાગ્યા છે.
નવરાત્રિ આવશે કે નંદીવાલા આવી પહોંચશે. મોટી ભરાવદાર મૂછવાળા ધોતિયા-અંગરખા-ફેંટાથી સજ્જ પુરુષો ગળામાં લાલ રૂમાલ લટકાવી ઢોલ વગાડતાં આવી પહોંચે છે. સાથે એક શણગારેલો બળદ હોય છે, તેને નંદી કહેવામાં આવે છે. આ લોકો મરાઠી, ક્ધનડ અને તેલુગુ ભાષા બોલે છે તથા એમની એક ગુપ્ત-સાંકેતિક ભાષા હોય છે. આ ભાષાને તેઓ ‘પારસી’ નામથી ઓળખાવે છે. આ પારસી ભાષામાં માણસને ‘મનશી’ સ્ત્રીને ‘આડી’ અને છોકરાને ‘પિલગાડુ’ કહેવામાં આવે છે. બળદના ખેલ દેખાડીને, જ્યોતિષ જોઈ આપીને ગુજારો ચલાવે છે.
ઘરની ગાયના વાછરડાને નંદી બનાવવામાં આવે છે. વાછરડાને ચાર દાંત આવે કે એ લોકોનો ભગત એ વાછરડાને વિશિષ્ટ હાવભાવ કરતાં શીખવે છે. દીક્ષા આપવા પહેલાં એ નંદીની પાંચ દિવસ પૂજા કરવામાં આવે છે અને દીક્ષા આપ્યા પછી નંદીને મહાદેવ કહેવામાં આવે છે. પૂજા પૂરી થાય પછી ભગત આ બળદના કાનમાં ફૂંક મારે છે. આ નંદી પાસે ત્યાર પછી બીજું કોઈ કામ કરાવવામાં આવતું નથી.
આ નંદીવાલા લોકોમાં લગ્ન શ્રાવણ મહિનામાં શુક્રવારે કરવામાં આવે છે. આ નંદીવાલા લોકોમાં નંદીવાલા બનનાર પુરુષ દર શ્રાવણમાં ઘરસંસાર છોડીને વન-જંગલ-વગડામાં એકાંતવાસ સેવે છે. તે વખતે કોઈના હાથનું પાણી પીતાં નથી, જમતા નથી, માગતા નથી અને કોઈ જમણ આવે તોયે સ્વીકારતાં નથી.
મુંબઈમાં ગલીના નાકે, ફૂટપાથ પર ચોકચૌટે દવા-ઔષધ-મૂળિયાં વેચતા વૈદુ સ્ત્રીપુરુષો આજે પણ જોવા મળે છે. ગિરગાંવ-ઠાકુરદ્વાર ખાતે અને હુતાત્મા ચોક-ફલોરા ફાઉન્ટન ખાતે ડૉ. હાદાભાઈ નવરોજીના પૂતળા નીચે વૈદુ બેઠેલા જોવા મળે છે. એમની પાસે ઝાડપાલામાંની દવા. જુદા જુદા પ્રાણીના માંસની, ચરબીની દવા, ભસ્મ, મૂળિયાં હોય છે. સંધિવા માટે એમની પાસે ‘વાય વાતાવર ઓખદ’ હોય છે. ઓખદ એટલે ઔષધ.
આ લોકોમાં એક વિચિત્ર રિવાજ છે કે છોકરીના માથાના વાળમાં ભમરો-ભોરો-ભોવરો જોવામાં આવે તો તેને ડામ દઈને કાઢી નાખવામાં આવે છે. પહેલાં તો એવી છોકરીને અપશુકન માનીને મારી નાખતા હતા. આ લોકોની મૂળ ભાષા તેલુગુ છે. આ લોકો પાસે વાઘનખ, રીંછના વાળ, શાહુડીના કાંટા, સરડાની ચામડી વગેરે પણ હોય છે. તંબુડી નામનું એક નળી જેવું સાધન હોય છે. માણસને ખરજવું, ચાંદું, જખમ પાક્યો હોય એવું થયું હોય તો ચામડી પર થોડોક જખમ કરી ત્યાં તંબુડી યંત્ર મૂકે છે અને મોઢાથી ફૂંક મારી મારીને અને ઊંડો દમ લઈને અશુદ્ધ રક્ત તંબુડીમાં ખેંચી લેવામાં આવે છે.
આ લોકોમાં લગ્ન પહેલાં સ્ત્રી-પુરુષ શરીર સંબંધ કરે તો તેની જીભે ડામ દેવામાં આવે છે. લગ્નમાં ચાંદલો કરવાની વિધિને ‘કોહિનૂર કાપ’ કહેવામાં આવે છે તો પુનર્વિવાહને ‘પાટ લાપણે’ કહેવામાં આવે છે.
હમણાં મુંબઈમાં મકાનોનાં બાંધકામ ખૂબ જ ચાલી રહ્યાં છે અને ત્યાં મજૂરી કરવા વણજારા સ્ત્રી-પુરુષોને મોટી સંખ્યામાં રોકવામાં આવ્યાં છે. એ લોકોમાં પણ હિંદુની જેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એવા વર્ણો છે. બ્રાહ્મણ વણજારાને મથુરિયા, ક્ષત્રિય વણજારાને ગોરબંજારા અને વૈશ્ય વણજારાને લમાણ અથવા લમાણી કહેવામાં આવે છે.
આ લોકોમાં છોકરીને સાસરે વળાવતી વખતે ગીત ગાવામાં આવે છે:
‘છૂટ ગિયાને મારી બાપુરી હવેલી
ખાયેશી પિવેશી નાંગરી
મારી નાયક બાપુરી નાંગરી
ગુજરાતની થાહી ઉમરિયાવ બાપુ
કેસરિયા વિરણ્ણા હવેલ છોડીયાલી થાહી.’
– મારા પિતાનું ઘર છોડીને જાઉં છું. મારા નાયક એવા બાપુજીના ઘરમાં ખાવાપીવાની કંઈ ખોટ નહોતી. મારી મા ગુજરાતની છે અને મારા પિતા ઉમરાવના છે. મારો ભાઈ બહાદુર છે અને હવે સહુને છોડીને જાઉં છું. (ક્રમશ:)