ગુજરાત વન વિભાગના અધિકારીઓએ વાઇલ્ડલાઇફ ક્રાઇમ માટે ખાસ તાલીમ પામેલા સ્નિફર ડોગની મદદ લેવાનું શરુ કર્યું છે. આ પ્રકારના ગુનાઓની તપાસ માટે ખાસ પ્રકારે તાલીમ પામનાર શ્વાનની મદદથી વનવિભાગને ગીર સોમનાથ જિલ્લામાં થયેલી સિંહની હત્યાનો કેસ ઉકેલવામાં સફળતા મળી છે. વન વિભાગે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
આ કેસની માહિતી મુજબ ગીર સોમનાથ જીલ્લામાં ખેતરની ફરતે બાંધેલ ઇલેક્ટ્રિક વાયરમાં એક સિંહ ફસાઈ જતા મૃત્યુ પામ્યો હતો. કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે આરોપીઓએ સિંહના મૃતદેહને નજીકના ખેતરમાં લઇ જઈને સળગાવી દીધો હતો ત્યાર બાદ પુરાવાનો નાશ કરવા સ્થળની સફાઈ કરાઈ હતી અને સ્થાન પર ઘાસનો ઢગલો કરી દેવામાં આવ્યો હતો.
એક બાતમીદારે 15 નવેમ્બરના રોજ જામવાળા રેન્જના અધિકારીઓને જાણ કરી હતી કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના રેવન્યુ વિસ્તારમાં આવતા આલીદર ગામની સીમમાં કેટલાક ગ્રામજનો દ્વારા સિંહના શબને બાળવામાં આવ્યું હતું.
વન વિભાગના અધિકારીઓએ તે વિસ્તારમાં સિંહોની હિલચાલના રેકોર્ડ તપસ્યા હતા અને પગના નિશાનો સ્કેન કર્યા, જે તેમને એક ખેતરમાં સુધી લઇ ગયા હતા. અધિકારીઓને બે માણસોના પગના નિશાનો અને ધાસડવાના નિશાન પણ મળ્યા હતા. પરંતુ ત્યાર બાદ કોઈ મજબુત પુરાવા મળ્યા ના હતા.
આ સમયે વાઈલ્ડલાઈફ ક્રાઈમ ઉકેલવા માટે ખાસ રીતે પ્રશિક્ષિત શ્વાનની તપાસમાં મદદ લેવામાં આવી. શ્વાન વન વિભાગની ટીમને ખેતરમાં જ્યાં સિંહને વીજ કરંટ લાગ્યો હતો ત્યાં દોરી ગયો. ત્યાર બાદ જ્યાં મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો તે સ્થળે લઇ ગયો. સામાન્ય રીતે આ જગ્યા શોધવી મુશ્કેલ હતી કારણ કે જગ્યા સાફ કરી દેવામાં આવી હતી અને અને ઘાસથી ઢાકી દેવામાં આવી હતી.
આ જગ્યાએ અધિકારીઓને સિંહની રૂંવાટી મળી આવી. પરંતુ સ્થળની સફાઈ કરવામાં આવી હોવાથી રાખ અને હાડકાના અંશ ના મળ્યા. ત્યાર બાદ શ્વાન અધિકારીઓની ટીમને બાજુના શેરડીના ખેતરમાં દોરી ગયો જ્યાં સિંહન હાડકાં અને રાખ મળી આવ્યા હતા.
ખેતર માલિકોના નામ શોધવા માટે વન વિભાગે જિલ્લા વહીવટી તંત્ર અને પીજીવીસીએલની મદદ લીધી હતી, પરંતુ જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું અને વીજ જોડાણ પણ ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું હતું. તપાસ સમયે ખેતરમાં પાક પણ નહોતો.
ત્યારબાદ વન વિભાગે આ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસના કોલ રેકોર્ડ્સ તપાસ્યા અને કેટલાંક શંકાસ્પદ લોકોની હિલચાલ મળી. આ માહિતીના આધારે, વિભાગે ભૂતકાળમાં જમીન પર ખેતી કરનાર વ્યક્તિઓની તપાસ કરી. જેને આધારે આરોપીઓને પકડી પાડવા આવ્યા હતા.