પ્રમુખ ચિંતન -સાધુ આદર્શજીવનદાસ
મેનેજમેન્ટ નિષ્ણાત જ્હોન મેક્સવેલ The360o Leaderમાં જણાવે છે કે જ્યારે વ્યક્તિ પોતાની પત્રપેટી ખોલે છે ત્યારે તેની નજર સૌપ્રથમ હસ્તલિખિત પત્રને શોધતી રહે છે, કારણ કે જેઓ આપણી સંભાળ લેનારા છે તેઓ તરફથી આપણને હંમેશાં વ્યક્તિગતરૂપે કાળજી લેવાય તેવી ઝંખના રહે છે.
આ માનવીય લાગણીને યથાર્થરૂપે પીછાણનારા અને સંતોષનારા હતા – પ્રમુખસ્વામી મહારાજ. તેથી તેઓ ભરચક પ્રવૃત્તિ વચ્ચે પણ રોજના સરેરાશ પચાસેક પત્રો લખતા રહેલા. તેઓની આ વિશેષતાને વધાવતાં મુંબઈના ઇન્કમટેક્ષ ક્ધસલ્ટન્ટ હીરાલાલ સોઢાએ જણાવેલું કે ‘અતિ વ્યસ્ત હોવા છતાં પ્રમુખસ્વામી મહારાજ કોઈના પણ પત્રનો જવાબ લખવાનું ચૂકતા નથી એ ખરેખર તેઓની મહાનતાનો પુરાવો છે. મેં નજરે જોયેલું છે કે તેઓ અનેક કાર્યોમાં રોકાયેલા હોવા છતાં પત્ર પૂરો વાંચીને તાત્કાલિક જવાબ દરેકને આપે છે. મને તેઓના હસ્તાક્ષર મળ્યા તે મારી જિંદગીનો લહાવો સમજું છું.’
આવો આનંદ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા લખાયેલા સાડા સાત લાખ પત્રો જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાં ત્યાં સૌએ માણ્યો છે, કારણ કે સ્વામીશ્રી જ્યારે પત્ર લખતા ત્યારે એકાગ્રતાનું એવરેસ્ટ ખડું થઈ જતું, ચીવટનો ચંદરવો રચાઈ રહેતો, દયાનો દરિયો ઉમટતો. આ ત્રિવેણીના કાંઠે બેસી તેઓ પત્રધારા વહાવતા.
તા. ૧૧/૪/૧૯૯૦ની રાત્રે ભાવનગર મુકામે પત્રવાંચનમાં પરોવાયેલા તેઓની ઉપર ઘણા સમયથી ઝગી રહેલો એક બલ્બ બરાબર તપી ગયેલો. તે કો’ક અકળ કારણસર અચાનક હોલ્ડરમાંથી છટક્યો અને પડ્યો સીધો જ સ્વામીશ્રીની બોચીના ભાગ પર. ત્યાંથી નીચે સરકી ગયેલા તેને જોઈ સામે બેઠેલા સૌના મોઢેથી સિસકારો નીકળી ગયો. પરંતુ સ્વામીશ્રી તો કાંઈ બન્યું જ ન હોય એમ પત્રો વાંચી રહેલા.
આ કાર્ય વિરમ્યું ત્યારે સંતોએ બલ્બ પડવાની ઘટના તેઓને સંભળાવી. તે જાણી સ્વામીશ્રીએ પૂછ્યું : એમ ? ક્યારે પડ્યો ?’
આપ પત્ર વાંચતા હતા ત્યારે. આપની સ્થિતપ્રજ્ઞતા તો કહેવી પડે !’
વૃત્તિ અખંડ ભગવાનમાં હોય પછી શું ખબર પડે !’ સ્વામીશ્રી બોલ્યા.
પરંતુ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતા તેઓની ચીવટ નાની-શી બાબતમાં પણ પ્રકાશી રહેતી. તા. ૨૮/૧૨/૧૯૮૬ની બપોરે જમવા માટે ઊભા થઈ રહેલા તેઓને પત્ર-પરિચારકે એક પોસ્ટકાર્ડ સહી કરવા આપ્યું. તેમાં એ સંતે એક હરિભક્તને દીકરાનું નામ ‘મનહર’ રાખવાની નોંધ લખેલી.
પરંતુ તે વાંચતાં જ સ્વામીશ્રીએ કહ્યું : આગળ એક પત્રમાં તો મનહર’ નામ લખ્યું છે. આમાં એ જ નામ ફરી કેમ લખ્યું ?’
આ ટકોર સાંભળી પરિચારકે તપાસ કરી તો તેઓ દ્વારા સરતચૂકથી ‘પીયૂષ’ને બદલે ‘મનહર’ લખાઈ ગયાનું માલૂમ પડ્યું. સ્વામીશ્રીની આ ચોકસાઈએ સેવકને ચકિત કરી દીધા.
આ જ રીતે તા. ૧૧/૨/૧૯૯૦ની સવારે અકોલામાં પત્રલેખન કરી રહેલા તેઓ પર આવેલો દક્ષિણ આફ્રિકાના એસ. વી. રામનો પત્ર અંગ્રેજીમાં હતો. તે જોઈ તેઓએ પત્ર-પરિચારકને પૂછ્યું : ‘આની પહેલાં એમણે પત્ર લખ્યો ત્યારે તો ગુજરાતીમાં લખ્યો હતો.
આ વખતે કેમ અંગ્રેજીમાં લખ્યો ?’
મહિને-દા’ડે ઠલવાતા સેંકડો પત્રોની વિગતો જ નહીં, પરંતુ તે ટપાલો લખનારાના નામ-ઠામ અને તેઓની ભાષાઓને પણ સ્વામીશ્રી યાદ રાખતા.
આવી ચીવટ સાથે ચાલતો તેઓનો પત્રવ્યવહાર તેઓની માનવી પ્રત્યેની કરુણાનો પુરાવો હતો તેની સાક્ષીરૂપે તેઓના જીવનમાં એવા ઘણા પ્રસંગો બન્યા છે કે જેમાં તેઓએ પત્ર લખવામાં અગવડ-સગવડ કશું ન જોયા હોય. મોટર અને ટ્રેનમાં તો ઠીક, પરંતુ હોડી અને બળદગાડામાં બેસીનેય મુસાફરી કરતાં કરતાં સ્વામીશ્રીએ
પત્રો લખ્યા-વાંચ્યાના દાખલા બનેલા છે. ક્યારેક વીજળી ગુલ થઈ ગઈ હોય તો બેટરી, દીવો કે ફાનસના અજવાળે પણ સ્વામીશ્રી લખતા રહેતા. તેઓના જીવનમાં સિત્તેર-સિત્તેર પાનાંના પત્રો પણ વાંચ્યાના પ્રસંગ બન્યા છે.
આવી કરુણા સાથે લખાતા સ્વામીશ્રીના પત્રોનો એક અનુભવ જણાવતાં તા. ૨૩/૧૦/૮૯ના રોજ સાવરકુંડલામાં ભરાયેલી એક જાહેરસભામાં નગરવાસી રસૂલભાઈએ જણાવેલું કે મારી લાતીમાં લાગેલી આગથી હું મૂંઝાયેલો હતો. તે વખતે મારા સત્સંગી પાડોશીએ પત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ મગાવવા કહ્યું. તે મુજબ અટલાદરાથી આવેલા જવાબમાં સ્વામીજીએ લખેલું : તમારો કાગળ મળ્યો. અમોને દુ:ખ થયું છે. અમે ભગવાનને પ્રાર્થના કરી છે. હિંમત રાખજો. ધંધામાં થયેલ નુકસાની ભગવાન બીજી રીતે પૂરી કરી આપશે. આશીર્વાદ છે.’ ‘પ્રમુખસ્વામી બાપાના આ કાગળથી મને પ્રેરણા મળી. દિલાસો મળ્યો. મારૂ મકાન નવેસરથી થયું. ધંધો ચાલુ થયો. પૂજ્ય સ્વામીબાપાનો હું સદાને માટે ઋણી છું. આજે તેમનો આભાર માનું છું.’
આમ, સ્વામીશ્રીના અક્ષરે લખાયેલા બે વાક્યોમાં ગજબની શક્તિ અને શાંતિ રહેતી.