થાણે: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કેઈએમ હૉસ્પિટલમાંથી રાજીનામું આપ્યાના બીજે જ દિવસે ડૉક્ટરે થાણે સ્થિત નિવાસસ્થાને કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ડૉ. પવન સાબળે (૪૬)ની પત્ની છેલ્લાં કેટલાંક સપ્તાહથી સંતાનો સાથે અલગ રહેતી હતી. ડૉક્ટરને દારૂ પીવાનું વ્યસન હતું.
શુક્રવારની સવારે નવ વાગ્યાની આસપાસ ડ્રાઈવર સાબળેના માનપાડા વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને પહોંચ્યો હતો. વારંવાર દરવાજો ખટખટાવ્યા છતાં ઘરમાંથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. આખરે ડ્રાઈવરે સાબળેની પત્નીને આ અંગે જાણ કરી હતી.
સાબળેની પત્નીએ માનપાડા પહોંચી તેની પાસેની ચાવીથી ઘરનો દરવાજો ખોલ્યો હતો. સાબળેનો મૃતદેહ સીલિંગ ફૅન સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં નજરે પડ્યો હતો, એમ ચિતળસર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ગિરીશ ગોડેએ જણાવ્યું હતું.
કેઈએમ હૉસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સાબળેએ નોકરી પરથી રાજીનામું આપ્યું હતું અને ૧૭ ફેબ્રુઆરીએ તેનું રાજીનામું સ્વીકારવામાં પણ આવ્યું હતું. ઘટનાસ્થળેથી સ્યુસાઈડ નોટ મળી નહોતી. જોકે મૃતદેહ નજીકથી એક વિલ મળી આવ્યું હતું. પોતાની બધી મિલકત પત્નીને નામે કરવામાં આવે, એવી નોંધ વિલમાં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ) ઉ