કચ્છી ચોવક -કિશોર વ્યાસ
કોઇ વ્યક્તિના મનમાં કોઇ કારણસર ક્ષોભ ઉત્પન્ન થયો હોય તો તેની પ્રતિક્રિયા રૂપે તેના હૃદયના ધબકારા વધી જાય છે. મોં ઝંખવાણું થઇ જાય છે. શ્ર્વાસ પણ રુંધાવા લાગે. છાતીમાં ડૂચો ભરાઇ જવાની અનુભૂતિ પણ થાય છે. જો આંખોનો રંગ રાતો થતો જાય. હોઠ કાંપવા લાગે, દાંત કચકચાવા લાગે તો એ ક્ષોભનું કારણ ક્રોધ હોઇ શકે! હવે આ તમામ લક્ષણોને કચ્છી રૂઢિપ્રયોગ આ રીતે ઓળખાવે છે : ‘અખ રતી થીણી’ આંખો લાલ થવી, ‘કોડા કઢણા’ ગુસ્સાથી જોવું. ‘ચપ ખૂલણા’ જબાન ખૂલવી, ‘આડી અખસે ન્યારણું’ ઇર્ષાથી જોવું, ‘મોં છણી પોણું’ ભોંઠપ અનુભવવી જેવા આંગિક ચેષ્ટારૂપ અભિનય રૂઢિપ્રયોગોના નિર્માણમાં કારણરૂપ બને છે.
વળી, સંશોધકોએ તો એવું પણ નોંધ્યું છે કે, રૂઢિપ્રયોગોમાં સ્નેહ, પ્રેમ અથવા સૌહાર્દ પૂર્ણ વાર્તાલાપ કરતાં ઉત્તેજના, નિંદા, વ્યંગ કે વક્રોકિત વધારે પ્રમાણમાં જોવા મળે છે. લો, આ રહ્યાં એવાં કેટલાંક ઉદાહરણ: ‘અખ રખણી’ દ્વેષપૂર્વક કોઇ પર નજર રાખવી, ‘અખ વતાયણી’ ગુસ્સો વ્યક્ત કરવો, ‘ખો ભૂલાય ડીણી’ બોધપાઠ શીખવવો…. વગેરે વગેરે… પરંતુ, કચ્છી ચોવકોમાં જ્ઞાન, ઉપદેશ, માર્ગદર્શન, વહેવાર, વરતારો ઉપરાંત કટાક્ષ અને વક્રોકિત જોવા અને માણવા મળે છે. એટલે જ એમ કહેવાય છે કે, કચ્છી ભાષા સમાન મંગલસૂત્રમાં સૌથી મોંઘેરો માલ એ ચોવક છે! લો, આ એક ચોવક ઘણું બધું કહી જાય છે: ‘હિકડી નીંયાણી ને સો ભ્રામણ’ સીધો અર્થ એવો થાય છે કે, સો બ્રાહ્મણ કરતાં એક નિયાણી ચઢિયાતી! ધાર્મિક આસ્થાનો અર્થ આ ચોવકમાં અભિપ્રેત છે. ‘નિયાણી’ કોને કહીએ, એ આપણે સૌ જાણીએ છીએ. વળી વક્રતા શોધવી હોય તો ચોવક બ્રાહ્મણોના દંભ પર કટાક્ષ પણ કરે છે!
સમાન અર્થ ધરાવતી પણ ઘણી ચોવકો છે. જેમ કે ‘હેસિયતથી વધારે તાયફો’ કરવો તેના માટે ચોવક છે: “કાંણી લાડીને કરો઼ડ વિનાંણ ઉપરાંત ‘અક જી કાઠી ને રાવરી આંણનો પણ પ્રયોગ થાય છે. અર્થમાં કદાચ દોરા ભાર ફરક પડતો હશે! મૂળ વાત અહીં ‘હેસિયત’ની છે. હવે આ ચોવક માણો: “ડોક઼ડે જી ડૂશી નેં ઢીંગલો મૂંઢાણી’ મતલબ કે હેસિયતથી વધારે દેખાડો કરવો! એજ વાત કહેવા માટે “શેર સાગને પખાલ પાણી અર્થ એવો છે કે, એક શેર શાક બનાવવા માટે પખાલ ભરીને પાણી નાખવું! જરૂરથી વધારે….! ક્ષમતાથી વધારે ખેંચાઇ જનારા માટે એમ પણ કહેવાય છે કે, “હિક઼ડા માઠા નેં વરી મારકણા વાત એની એ જ હેસિયતની જ
આવે છે.
કોઇ વ્યક્તિ તેની લાયકાત કે જરૂરિયાતથી વધારે કંઇક મળી રહે તો તેના માટે ચોવક છે: “આંમરી મેં આમાં પકા ગુજરાતીમાં તેનો સીધો અર્થ કરીએ તો આંબલીના વૃક્ષમાં આંબા પાકયા! એવો થાય.
ઘણી વખત લોકો બહુ વધારે અપેક્ષાઓ કે આશા સાથે જીવતા હોય છે. એવા લોકોની ઓળખ આપતી ચોવક છે: ‘અણકમાઉ નેં ઉનાં પાણી’ અહીં ‘ઉનાં’ શબ્દનો અર્થ ‘ઊંડો’ થાય છે. કમાણી કોડીની ન હોય પણ અપેક્ષાઓ આકાશને આંબતી હોય તેવા લોકો માટે છે આ ચોવક.
તમે જોયું હશે કે, ઘણા લોકો સારો સમય આવે તે પહેલાં જ સોનેરી સપનાં જોવા લાગે છે. એવા લોકો પર કટાક્ષ કરતી ચોવક છે: આમેં મોર નેં કલાણે લેખો હજુ આંબામાં મોર લાગ્યા છે અને કેટલી કેરી પાકશે તેનાં લેખાં શરૂ થઇ જાય છે!