(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડનારો મહત્ત્વનો ગોપાલકૃષ્ણ ગોખલે બ્રિજને બંધ થવાના અઠવાડિયા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ આ બ્રિજ તોડી પાડવામાં આવે નહીં ત્યાં સુધી શું હળવાં વાહનો માટે ખોલી શકાય કે નહીં? તેનો નિર્ણય કરવા માટે વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ)ની સલાહ લીધી છે.
વીજેટીઆઈએ રવિવારે આ પુલનું નિરીક્ષણ કર્યું હતું અને તેનો રિપોર્ટ આવવાને હજી થોડો સમય લાગવાનો છે. પાલિકાના અધિકારીઓના કહેવા મુજબ વીજેટીઆઈએ તેનું ઈન્સ્પેક્શન પૂરું કર્યું છે અને હવે તેઓ આઈઆઈટી-બી પણ આ બ્રિજનું ઈન્સ્પેક્શન કરે તે માટે તેને ટીમમાં લેવાની યોજના બનાવી રહ્યા છે.
ગોખલે બ્રિજ હળવાં વાહનો માટે ખોલવો કે નહીં તે બાબતનો નિર્ણય આવતા લગભગ પખવાડિયાનો સમય લાગી શકે છે. પાલિકાના અધિકારીઓના કહેવા મુજબ હળવાં વાહનો માટે આ પુલને ફરી ખોલવાને લઈને પણ તેઓ વધુ સાવચેત રહેવા માગે છે. કારણ કે સ્ટ્રક્ચરલ ઑડિટરોને ઈન્સ્પેક્શન દરમિયાન બ્રિજના આરસીસી કૉલમ, ટાઈ બીમ, ગર્ડર, ડેક સ્લેબ અને બેરિંગ્સ જેવા પુલના અનેક હિસ્સાને કાટ અને પર્યાવરણમાં થતા ફેરફારને કારણે નુકસાન પહોંચ્યું હોવાનું જણાઈ આવ્યું છે.
પાલિકાએ પહેલી નવેમ્બરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસને પત્ર લખીને જણાવ્યું હતું કે ગોખલે પુલ વાહનોની અવરજવર માટે અસુરક્ષિત છે. પાલિકાના અધિકારીના કહેવા મુજબ જ્યાં સુધી વીજેટીઆઈ અને આઈઆઈટી-બી જેવી સંસ્થાઓ દ્વારા પુલનું ઈન્સ્પેક્શન કરીને તેને સુરક્ષિત હોવાનું સર્ટિફિકેટ નહીં આપે ત્યાં સુધી તેઓ આ પુલ હળવા વાહનો માટે પણ ખુલ્લો મૂકશે નહીં.
આ દરમિયાન સોમવનારે મુંબઈ ઉપનગરના પાલક પ્રધાન, પાલિકાના અધિકારી અને રેલવે અધિકારીઓએ ગોખલે બ્રિજની સાઈટનું ઈન્સ્પેક્શન કર્યું હતું.