ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી
ખુશ્બૂ માટે રોજ કરતાં આજે રાત ખૂબ મોડી ને સવાર થોડી વહેલી પડી હતી. શિયાળાની ખુશનુમા સવાર ઊગવાને હજુ ઘણી વાર હતી. ઘરના અમુક સભ્યો માટે તો કદાચ મધરાત કહેવાય એવા સમયે, રાત્રીના છેલ્લા પહોરના નીરવ સૂનકારમાં ધીમે ધીમે માત્ર એના જ રસોડામાં ખખડાટ અને મનમાં કકળાટ ચાલુ થયો હતો. પાછલી રાત્રે બીજા દિવસના વિચાર કરતાં કરતાં, પડખાં ઘસતાં ક્યાંય સુધી એ જાગતી પડી રહી હતી અને જ્યાં માંડ થોડી ઊંઘ આવી ત્યાં જ મમ્મીના આ ખખડાટભર્યા એલાર્મના અણગમતા અવાજે એને સફાળી જગાડી દીધી હતી. નથી ઊઠવું, નથી ઊઠવું, નથી જ ઊઠવું… એવા મક્કમ વિચારને મનમાંથી પરાણે દૂર હડસેલી એણે જાતને ધક્કો મારી ધરાર ઊભી કરી હતી. કારણ પોતાની મમ્મીને રોજ કરતાં કામ ઝડપથી અને ઝાઝું કરવાનું હતું, દિવસભરની તૈયારી અત્યારે જ કરી લેવાની હતી, ઘરે જે રહેવાના છે એના માટેની રસોઈ અને નાનીમોટી કંઈ કેટલીય સગવડ કરતા જવાની અને જે બહાર જવાના છે તેઓની તમામ સુવિધા સચવાઈ રહે તેનો ખ્યાલ રાખવાનો. નાની નાની ઝીણી ઝીણી વસ્તુઓ યાદ કરતા જવાની અને એકસાથે ભેગી કરવાની. પાછા ફરતાં ફરીથી બધું વ્યવસ્થિત કરવાની જહેમત તો ખરી જ અને એમાંય કશું ઉતાવળમાં ભુલાઈ ના જાય એનું ટેન્શન તો વળી સાથે ને સાથે જ..!! આ બધી પળોજણમાં મમ્મીની સાથોસાથ રહેવું પડશે એ તો ઠીક, પણ આમ સતત ટોળા વચ્ચે ચોવીસ કલાક રહેવું ખુશ્બૂ માટે અણગમતું, અકળાવનારું ને અસહજ કરી મૂકનારું હોય છે એટલે જ, એટલે જ જ્યારે જાતભાતના શોરગુલ વચ્ચે ફરવા જવાની વાત સાંભળી ત્યારે બધાના આહા, હુરર્રે, યેસ્સ્સ, વાઉ… જેવા આનંદિત ઉદ્ગારો તેમ જ જવું જ છે, બહુ મજા આવશે, બને તેટલાં વહેલાં સ્થળ અને સમય નક્કી કરી નાખીએ જેવાં વાક્યોની વણજાર વચ્ચે ખુશ્બૂથી અરરર, મારે નથી આવવું..! જેવો તદ્દન નીરસ પ્રતિભાવ અપાઈ ગયેલો અને ત્યાં બેસેલા દરેક જણની આંખોમાં આશ્ર્ચર્ય અને હોઠ પર એક જ પ્રશ્ર્ન ઊભો થયો હતો, પણ કેમ? શા માટે નથી આવવું??? ટીનેજનાં વર્ષોમાં કોઈ મજા કરવાની આવી સુંદર તક ગુમાવવા માગતું હોય એવું ત્યાં બેસેલી એકપણ વ્યક્તિને સમજમાં આવતું નહોતું. ખુશ્બૂ પાસે કોઈ જવાબ નહોતો અને વળતી દલીલ કરવાની પોતાની કોઈ જ મરજી નહોતી, પણ એમ કંઈ એના પેરેન્ટ્સ તેની એવી જીદ પોષે એમ હતા નહીં અને એમ તો ખુશ્બૂમાં પણ એવી હિંમત નહોતી કે પોતે સાથે આવવા માગતી નથી એ બાબતે વધુ ચર્ચા કરે, આથી જ ઘરમાં ઊભરાયેલા આનંદના અતિરેકમાં ખુશ્બૂની ચુપકીદી પોતાના જ પ્રશ્ર્નને ઓગાળી દેવા માટે પૂરતી હતી.
પિકનિક, પ્રવાસ, ઉજાણી, આઉટિંગ કે હરવાફરવા જેવાં નામ પડતાં જ તન-મન તાજગીથી ભરાઈ આવે. રોજની એકની એક ઘરેડમાંથી બહાર મુક્ત મને વિહરવા મળે, રોજિંદા વાતાવરણથી દૂર કોઈ અન્ય સ્થળ પર જઈ નવી જ તાજગી અનુભવવા મળે. બહાર ફરવા મિત્રો સાથે જવાનું હોય કે સગાંસંબંધીઓ સાથે પણ મજા તો આવે જ એ વાતમાં કોઈ શક હોય જ નહીં એવું આપણે દરેક માનતા હોઈએ છીએ, પરંતુ ખુશ્બૂ જેવી તરુણીઓ માટે દર વખતે આ બધી હરવાફરવાની વાતોમાં મજા જ હોય એવું જરૂરી હોતું નથી. ક્યારેક અન્યોની મજા, ખુદ માટે સજાથી કમ હોતી નથી, કારણ કે પિકનિકમાં ભલે એક જ દિવસ જવાનું હોય, પણ તેની તૈયારી અગાઉથી કરવી પડે. વહેલા ઊઠીને ઘરકામમાં સતત વ્યસ્ત રહેતી મમ્મીના મૂડ સ્વિંગ્સ સહેવા પડે. છેક છેલ્લે સુધી કોઈ ચીજ ભુલાતી તો નથીને એની ચિંતામાં ડૂબેલી મા ક્યારેક ખુશ્બૂના સાવ નીરસ પ્રતિભાવ સામે બરાડી પણ ઊઠે. ટૂંકમાં પહેલેથી જ નેગેટિવ માહોલ ઊભો થતાં વાર લાગે નહીં.
પિકનિકના સ્થળ પર પહોંચ્યા પછી પણ બધા એકસાથે બેસીને એક ને એક જ પ્રકારની વાતો કરતા જોવા મળે છે જેમાંથી મોટા ભાગની વાતો પોતાને કેટલી તકલીફ છે, પોતાની સાસુ કે નણંદ કે અન્ય કોઈ દ્વારા કેટલી સમસ્યાઓ ઉદ્ભવે છે, તેની આજુબાજુમાં લોકો કેવા છે અને ક્યાં શું થઈ રહ્યું છે એવા જ મુદ્દાઓની આસપાસ ફરતી જોવા મળે છે. આથી મમ્મી કે પપ્પા જે વાતો ફોનમાં કરે, એ જ સામસામે બેસીને કરતાં હોય એને કશું જ નવીન લાગતું નથી. માત્ર બેસવાની જગ્યામાં જ ફેરફાર થયેલો હોય છે જેને મજા, આનંદ કે ખુશી સાથે દેખીતી નિસ્બત હોતી નથી. ખુશ્બૂને પપ્પાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફરવા જવાનું થાય. પોતાની ઉંમરનાં જ તેઓનાં સંતાનો પણ પોતાના સ્વભાવથી બહુ અલગ એટલે તે માત્ર જવા ખાતર જઈને પાછી આવતી હોય અને ક્યારેક સગાંસંબંધીમાં તમને ગમતું ન હોય છતાં જવું જ પડ્યું હોય તો માત્ર સમય પસાર કરીને ક્યારે ઘર પાછા જવા મળે એના જ વિચાર કરતા જોવા મળો. ટૂંકમાં, આવી બધી જગ્યાઓએ ખુશ્બૂ જેવા ટીનેજર્સ માટે ખરેખર મજા લેવાના મોકા બહુ ઝાઝા કેમ ઉદ્ભવતા હોતા નથી? શું તેઓ માટે એક દિવસનું આઉટિંગ કે પિકનિક કે મોજમજા અને ઉજાણી એટલે માત્ર માથાનો દુખાવો? ના, એવું તો ન હોય, તો પછી કેવું હોય? ક્યારેય વિચાર્યું છે ખરું? ક્યાંક આવા તરુણોની સાચી ઉજાણીથી અજાણ્યા તો નથી રહી જતાને?? (ક્રમશ:)