શેરબજારની સુનામીમાં રોકાણકારોના ₹ ૮.૩૬ લાખ કરોડ સ્વાહા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં સતત ચોથા દિવસની પીછેહઠમાં રોકાણકારોને મોટો ફટકો પડ્યો હતો. અમેરિકાના મજબૂત ડેટા, જાપાનના ચિંતાજનક ડેટા અને કોરોનાનો હાઉ ફરી સપાટી પર આવતા ખરડાઇ ગયેલા વાતાવરણમાં વૈશ્ર્વિક ઇક્વિટી બજારોની મંદી સાથે સ્થાનિક બજારમાં પણ વેચવાલીની સુનામી આવી
હતી.
સાર્વત્રિક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૯૮૧ પોઈન્ટ્સના જોરદાર કડાકા સાથે ૬૦,૦૦૦ની અંદર ધસી ગયો હતો. જ્યારે નિફ્ટી ૧૭,૮૦૦ની નજીક બંધ રહ્યો હતો. શુક્રવારના એક જ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮.૩૬ લાખ કરોડનું અને એક માહિતી અનુસાર સતત સાત સત્રની પીછેહઠમાં લિસ્ટેડ શોરના મૂલ્યમાં રૂ. ૧૬ લાખ કરોડનું ધોવાણ થયું છે.
અમેરિકામાં મેક્રો ડેટા સારા આવ્યા હતા, પરંતુ તેનાથી વ્યાજદરમાં આક્રમક વધારાની શક્યતા વધી હતી. બીજી તરફ ચીનમાં કોવિડની ગંભીર સ્થિતિને કારણે પણ વિશ્ર્વભરના બજારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત, વધુ એક નકારાત્મક પરિબળમાં જાપાનમાં ફુગાવાનો દર નવેમ્બરમા ૩.૭ ટકાની ૪૦ વર્ષની ટોચને આંબી જતાં એશિયાના બજારોમાં પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. એ જ સાથે હજી પણ આર્થિક મંદીનો ભય તો ઝળૂંબી જ રહ્યો છે.
આ સત્રમાં પાવર, એનર્જી, ટેલિકોમ, કેપિટલ ગૂડ્ઝ, મેટલ, રિયલ્ટી, ઓટો, ઓઈલ-ગેસ, બેન્ક, એફએમસીજી અને ફાઈનાન્શિયલ શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
બજારમાં મંદીવાળાઓની પકડ વચ્ચે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૩.૪૦ ટકા અને ૪.૧૧ ટકાના કડાકા સાથે બંધ રહ્યા હતા.