વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિયઃ ગુજરાતમાં પણ માવઠાની આગાહી
નવી દિલ્હીઃ પાટનગર નવી દિલ્હી સહિત અન્ય વિસ્તારમાં આજે એકાએક સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજ પછી આકાશમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વાતાવરણમાં આવેલા પલટા પછી એકાએક તાપમાનમાં પણ ઘટાડો થયો હતો. પાટનગર દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, એવું હવામાન વિભાગે જણાવ્યું હતું.
પાટનગર નવી દિલ્હીની સાથે નોઈડામાં પણ સાંજ પછી વરસાદ પડવાનું ચાલુ થયું હતું. પાટનગર દિલ્હીના બુદ્ધજયંતી પાર્ક, રાષ્ટ્રપતિ ભવન, રાજીવ ચૌક, આઈટીઓ, દ્વારકા, દિલ્હી કેંટ, ઈન્ડિયા ગેટ, અક્ષરધામ, સફદરજંગ, ઈન્દિરા ગાંધી એરપોર્ટ, વસંત કૂંજ સહિત તેની આસપાસના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદના જાપટા પડ્યા હતા. અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
એના સિવાય દિલ્હીના બવાના, અલીપુર, રોહિણી, મોડલ ટાઉન, કરાવલ નગર, અઝાદપુર, પીતમપુરા, દિલ્હી યુનિવર્સિટી, સિવિલ લાઈન્સ, દિલશાદ ગાર્ડન, પશ્ચિમ વિહાર, કશ્મીરી ગેટ, લાજપત નગર, છતરપુર, ગાઝિયાબાદ, રોહતક વગેરે વિસ્તારોમાં આગામી થોડા કલાકોમાં વરસાદ પડી શકે છે, એવી હવામાન વિભાગના અધિકારીએ આગાહી કરી હતી. આગામી 24થી 48 કલાકમાં પાટનગર દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલનું નિર્માણ થઈ શકે છે, જ્યારે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બુધવારે દિવસનું સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું.
પાટનગર દિલ્હી સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં ખાસ કરીને આગામી ત્રણ દિવસ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, તેથી 31મી માર્ચ સુધીમાં રાજ્યના અમુક ભાગમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વાતાવરણમાં આવી રહેલા પલટાને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, જ્યારે લોકોના આરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.