કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે બુધવારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા વિરુદ્ધ કાર્યવાહીને મંજૂરી આપી દીધી છે. મનીષ સિસોદિયા પર વિપક્ષી નેતાઓની જાસૂસી કરવાનો આરોપ છે. આ કેસમાં સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ સામે કેસ ચલાવવા માટે ગૃહ મંત્રાલય પાસે મંજૂરી માંગી હતી.
જાણકારી અનુસાર, 2015માં સત્તામાં આવ્યા બાદ દિલ્હી સરકારે ફીડબેક યુનિટ (FBU)ની રચના કરી હતી જેનું કામ દરેક વિભાગ પર નજર રાખવાનું હતું. જેનો મૂળ હેતુ વિભાગોના ભ્રષ્ટાચાર પર નજર રાખવાનો હતો. જો કે, બાદમાં દિલ્હી સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેના દ્વારા દિલ્હી સરકાર વિપક્ષી પાર્ટીઓના કામકાજ પર નજર રાખી રહી છે.
સીબીઆઈએ દિલ્હી સરકારના વિજીલેન્સ વિભાગના અધિકારીની ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. 2016 માં એજન્સીએ જણાવ્યું હતું કે સોંપાયેલ કાર્યો ઉપરાંત FBU એ અગ્રણી રાજકીય વ્યક્તિઓની જાસૂસી કરી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર, એફબીયુએ આઠ મહિના દરમિયાન 700 થી વધુ કેસોની તપાસ કરી હતી. આમાંથી 60 ટકા કેસમાં રાજકીય ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ, FBUની સ્થાપના માટે કોઈ પ્રાથમિક મંજૂરી લેવામાં આવી ન હતી, પરંતુ ઓગસ્ટ 2016 માં, તકેદારી વિભાગે મંજૂરી માટે ફાઇલ તત્કાલિન એલજી નજીબ જંગને મોકલી હતી. જંગે બે વખત ફાઈલ રિજેક્ટ કરી હતી. દરમિયાન, એલજીને FBUનો મામલો સીબીઆઈને સોંપ્યો હતો.