દરદીના સ્વજનને ₹ ૧૨ લાખ ચૂકવવાનો ડૉક્ટર, હૉસ્પિટલને આદેશ
મુંબઈ: સર્જરી દરમિયાન એનેસ્થેટિક્સના વધુ પડતા વપરાશને પગલે વરિષ્ઠ નાગરિકના અવસાનના ૧૫ વર્ષ પછી તેમના પરિવારને ૧૨ લાખ રૂપિયાથી વધુ રકમનું વળતર ચૂકવવા માટે મુંબઈ સ્થિત હૉસ્પિટલ અને ડોક્ટરને આપવામાં આવેલા રાજ્ય ગ્રાહક પંચના ચુકાદાને નેશનલ ક્ધઝ્યુમર ડિસ્પ્યુટ રીડ્રેસલ કમિશન (એનસીડીઆરસી) દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે. મૃતકના પરિવારની તરફેણમાં ૨૦૧૫માં મહારાષ્ટ્ર રાજ્ય ક્ધઝ્યુમર રીડ્રેસલ કમિશન દ્વારા આપવામાં આવેલા ચુકાદાને પડકારતી અરજી ડૉક્ટર અને હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. ૨૯ માર્ચે એનસીડીઆરસીએ આ અરજી નકારી હતી. એનસીડીઆરસીએ નોંધ્યું છે કે બેદરકારી એનેસ્થોલોજીસ્ટની હતી, પણ જવાબદારીમાંથી હોસ્પિટલ છટકી શકે નહીં.
મૃતક કુસુમ (૬૬)ની પુત્રીએ દાખલ કરેલી ફરિયાદ અનુસાર ૨૧ જૂન, ૨૦૦૮ના દિવસે ઓર્થોપેડીશિયન ડૉ. અજય રાઠોડે પરેલ સ્થિત હોસ્પિટલમાં શ્રીમતી કુસુમના ફ્રેક્ચરનું ઓપરેશન કર્યું હતું. એનેસ્થોલોજિસ્ટ હતા ડૉ. મુળજી ખેમજી ગડા (સ્ટેટ કમિશન સમક્ષ કાર્યવાહી ચાલી રહી હતી એ દરમિયાન તેમનું અવસાન થયું હતું). ઓપરેશન સવારે થયું હોવા છતાં એનેસ્થેસિયાના વધુ પડતા ઉપયોગને કારણે દરદીને ભાન આવ્યું જ નહીં. તેની હાલત કથળતી ગઈ અને પછી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બેભાન અવસ્થામાં દરદીને લાંબો સમય હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ દરદીને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ૨૪ ઓક્ટોબર, ૨૦૦૮ના દિવસે તેમનું મૃત્યુ થયું હતું. (પીટીઆઈ)ઉ