ચાંદીના સિક્કા બતાવ્યા પછી સોનાના બદલામાં પિત્તળ પકડાવનારા ત્રણ સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સસ્તામાં સોનું મેળવ્યા પછી ઊંચી કિંમતે વેચી નફો રળવાની લાલચમાં દક્ષિણ મુંબઈના ભુલેશ્વર ખાતે રહેતા વેપારીએ ૩૦ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અસલી ચાંદીના સિક્કા બતાવ્યા પછી સોનાના બદલામાં પિત્તળ પકડાવનારા મહિલા સહિત ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધી કસ્તુરબા માર્ગ પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર સીએસએમટી નજીક ૧૨ ડિસેમ્બરે બૅન્કનું સરનામું પૂછવાને બહાને આરોપીએ વેપારી સાથે મિત્રતા કરી હતી. વાતવાતમાં પોતાને રૂપિયાની જરૂર હોવાથી ચાંદીના સિક્કા વેચવાના છે, એમ આરોપીએ કહ્યું હતું. આરોપીએ વેપારીને એક ચાંદીનો સિક્કો આપી તેની ખાતરી કરવાનું પણ કહ્યું હતું. વેપારીએ ઝવેરીબજાર સ્થિત દુકાનમાં તપાસ કરતાં તે સિક્કો ચાંદીનો જ હોવાની ખાતરી થઈ હતી.
બાદમાં સમયાંતરે આરોપી અને વેપારી વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. ક્ધસ્ટ્રક્શન સાઈટ પર સોના-ચાંદી ભરેલો ઘડો મળ્યો હોવાથી સોનું સસ્તી કિંમતે વેચવાનું હોવાનું આરોપીએ કહ્યું હતું. સસ્તામાં સોનું ખરીદવાની ઇચ્છા દર્શાવી વેપારી પત્ની સાથે આરોપીને મળવા બોરીવલી ગયા હતા. આરોપીએ સોનું ખરું હોવાની ખાતરી કરવા વેપારીને સોનાનો એક ટુકડો આપ્યો હતો.
અસલી સોનું હોવાની ખાતરી થતાં વેપારીએ બાકીનું સોનું ખરીદવાની તૈયારી દાખવી હતી. ૧૪ ડિસેમ્બરે વેપારી પત્ની સાથે બોરીવલી પહોંચ્યા ત્યારે આરોપી એક મહિલા અને એક પુરુષ સાથે સ્ટેશન બહાર ઊભો હતો. નજીકની હોટેલમાં ગયા પછી વેપારીએ આરોપીને ૩૦ લાખ રૂપિયા આપ્યા હતા. આરોપીએ વેપારીને થેલીમાં સોનું હોવાનું દેખાડ્યું હતું. થેલી લઈને ઘરે પહોંચેલા વેપારીએ ઝવેરી પાસે તપાસ કરાવી હતી. એ સોનું નહીં, પણ પિત્તળ હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકરણે વેપારીની ફરિયાદને આધારે બોરીવલીની કસ્તુરબા માર્ગ પોલીસે સોમવારે ગુનો નોંધ્યો હતો.