સૌરવ ગાંગુલીની બાયોપિકમાં રણબીર કપૂરનું નામ લગભગ નક્કી ટૂંક સમયમાં શરૂ થશે બિગ બજેટ ફિલ્મનું શૂટિંગ!
ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીની બાયોપિક બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. પહેલાથી સૌરવ ગાંગુલીની ઈચ્છા હતી કે રણબીર કપૂર ઓનસ્ક્રીન તેમનું પાત્ર ભજવે. આ દરમિયાન અન્ય અભિનેતાઓના નામ પણ સામે આવ્યા, પરંતુ હવે રણબીર કપૂરનું નામ લગભગ નક્કી છે. ટૂંક સમયમાં કલકત્તામાં ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ શકે છે.
અત્યાર સુધી ખેલજગતની અનેક હસ્તીઓના જીવન પર બાયોપિક ફિલ્મ બની ચૂકી છે. મહેન્દ્ર સિંહ ધોની, કપિલ દેવ, મિલ્ખા સિંહ, મિતાલી રાજ આ તમામ ખેલાડીઓના નામ તેમાં શામેલ છે. હવે ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીના જીવન પર ફિલ્મ બનવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૌરવ ગાંગુલીએ ફાઈનલ સ્ક્રિપ્ટ માટે હા પાડી દીધી છે. ટૂંક જ સમયમાં કલકત્તામાં શૂટિંગની શરૂઆત થઈ જશે. પણ સૌથી જરૂરી પ્રશ્ર્ન એ છે કે, ફિલ્મમાં ઓનસ્ક્રીન સૌરવ ગાંગુલી કોણ બનશે?
સૌરવ ગાંગુલીના નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, રણબીર કપૂરનું નામ બાયોપિક માટે લગભગ નક્કી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, પહેલા તો રણબીર કપૂરની તારીખોની સમસ્યા હતી, પરંતુ હવે રણબીર કપૂર સાથે ગોઠવણ થઈ ગઈ છે અને અભિનેતાએ પણ લગભગ ઓફર સ્વીકારી લીધી છે. રસપ્રદ બાબત એ છે કે સૌરવ ગાંગુલીએ અવારનવાર રણબીર કપૂર આ રોલ કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.
વર્ષ ૨૦૧૯માં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારપછી ઋતિક રોશન, રણબીર કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત મોટા એક્ટર્સના નામ સામે આવ્યા હતા. પણ અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ રણબીર કપૂર સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યો છે. સૂત્રના જણાવ્યા અનુસાર, બાયોપિક માટે શૂટિંગ શરૂ થાય તે પહેલા રણબીર કપૂર કલકત્તાના આઈકોનિક ઈડન ગાર્ડન્સ અને સૌરવ ગાંગુલીના ઘરની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે આ એક બિગ બજેટ ફિલ્મ હશે. ફિલ્મ લગભગ ૨૦૦-૨૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનીને તૈયાર થશે. સૌરવ ગાંગુલીએ પહેલા જ કહ્યું હતું કે તે ઉતાવળ
કરવા નથી માગતા. શૂટિંગ પહેલા સુનિશ્ર્ચિત કરવામાં આવશે કે સ્ક્રિપ્ટમાં તમામ તથ્યો સાચાં હોય. તેમણે ફાઈનલ ડ્રાફ્ટ વાંચી લીધો છે. ક્રિકેટની દુનિયામાં સૌરવ ગાંગુલીને ‘દાદા’ કહીને બોલાવવામાં
આવે છે.
રણબીર કપૂરના વર્ક ફ્રંટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘શમશેરા’ અને ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ ૧’ ગત વર્ષે રીલિઝ થઈ.
અત્યારે તે શ્રદ્ધા કપૂર સાથેની ફિલ્મ ‘તૂ જૂઠી મેં મક્કાર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. આ સિવાય રણબીર કપૂર ‘એનિમલ’ ફિલ્મમાં પણ જોવા મળશે.