એ લોકો ના તો અપંગ હોય છે, ના રોગી, ના દુર્બળ કે ના ગરીબ. જાણી જોઈને લઘર-વઘર વેશ રાખીને તેઓ પોતાની ભિખારી હોવાની ઓળખ આપી ભીખ માગતા રહે છે
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
કેટલાક ભિખારી એવા હોય છે કે એમનું મોઢું જોઈને એક રૂપિયો પણ આપવાનું મન ના થાય. એમને જોઈને એવું લાગે કે એવા ચહેરા, ભિખારી સિવાય બીજું કંઈ બની શક્યા હોત, પણ હતા નહીં. એ લોકો ના તો અપંગ હોય છે, ના રોગી, ના દુર્બળ કે ના ગરીબ. જાણી જોઈને લઘર-વઘર વેશ રાખીને તેઓ પોતાની ભિખારી હોવાની ઓળખ આપી ભીખ માગતા રહે છે. તેઓ તમારી સામે હાથ ફેલાવે છે ત્યારે તમે મોં ફેરવી દો છો કારણ કે એ માણસ, ખરેખરી ભીખ માગવાવાળાઓની દયનીય દુનિયાનો લાચાર માણસ લાગતો નથી. દારૂ પીવા માટે ઉધાર માંગવાવાળાની જેમ, બેશર્મીનો ભાવ કાયમ એમના મોં પર રહે છે.
એક એવા જ માણસને હું મારી હોટેલની બાલ્કનીમાંથી રોજ જોઉં છું. હોટેલની સામે બસ સ્ટેન્ડ છે, જ્યાં કેટલીક નિયમિત અને અનિયમિત ટૂરિસ્ટ બસો મેંગલોરથી ગોવા જતી વખતે રોકાય છે. હોટલની નીચેના ભાગમાં વેજીટેરિયન અને નોન-વેજીટેરિયન જમણના બે જુદા જુદા રૂમ છે. સસ્તા કાજુના પેકેટ, નારિયેળ પાણી અને પાન, બીડી વેચવાવાળાઓની દુકાનો છે. એ ભિખારી વહેલી સવારથી માડી રાત સુધી ત્યાં જ ફર્યે રાખતો હોય છે. સવારે ઊઠીને કુમળા તકડા સાથે મારી અધ-ખુલ્લી આંખોનો સંબંધ જોડવા જ્યારે હું બાલ્કનીમાં આવું છું ત્યારે એને ભીખ માગતો જોઈ મારા મનમાં એક પ્રકારની ઉદાસી છવાઇ જાય છે.
ત્યારથી પછી આખો દિવસ મને એ ભિખારી બસની બારીઓ સામે ને બહાર ફરતા મુસાફરોની સામે હાથ ફેલાવતો દેખાય છે. ત્યાં એક ભિખારણ પણ છે, જેના હાથ પર હું રોજ થોડા સિક્કા મુકી દઉં છું. એના પગ ઘૂંટણથી કપાયેલા છે અને એણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માટે વિચિત્ર રીતે પોતાને ઘસડાવું પડે છે. એ સાથળના ટેકે ધીરે-ધીરે ઉછળીને આગળ વધે છે.
હું વિચારતો હતો કે એ કોઈ એવા પાટિયાં પર કેમ નથી બેસતી, જેમાં નાના-નાના પૈડાં લગાડેલા હોય. એ હાથની મદદથી પાટિયાને આગળ ધકેલીને જલદીથી આગળ વધી શકે છે. પણ સમસ્યા એ હતી કે આધુનિક ટેકનોલોજી ભીખ માગવાની પ્રક્રિયામાં કેવી રીતે મદદ કરી શકે છે, એના પર હું એને સમજાવી શકતો નહોતો. એ કદાચ મેંગલોર તરફની ક્ધનડ ભાષાવાળી હશે. મેં તો એને કાયમ ચૂપ જ જોઈ છે. એ ખાલી હાથ ઊંચો કરી દેતી, એટલે ભાષાની જરૂરિયાત બિનજરૂરી થઈ જતી. એને થોડી ઘણી ભીખ મળી જતી. એ બસોની પાસે જતી નહીં. એ ઘસડાતી ઊછળતી બસો પાસે પહોંચી પણ જાય, પણ બસમાં બેઠેલા માણસની નજર એના પર પડી શકે નહીં.
પછી એક દિવસ મેં જોયું કે આખા બસ સ્ટેન્ડની સપાટી ઉબડખાબડ છે અને ભીખ માગવાની આવી જગ્યા પર મારે આધુનિક ટેક્નોલોજીના જાણકાર હોવાનું પ્રદર્શન કરવાની કોઈ જરૂર નહોતી. આમ પણ આટલી નાની વાત માટે દક્ષિણ ભારતની ભિખારણને ટેકનિકલ જાણકારની જરૂર નથી.
પેલો ભિખારી બહુ તગડો હતો. કાયમ ભીખ માગતા રહેવાના કારણે એની ડોક વાંકી થઈ હતી, એ સિવાય એના શરીરમાં કોઈ ખામી નહોતી. જ્યારે પણ બસ આવતી ત્યારે એ કૂદતો કૂદતો બસની તરફ જતો અને સતત ચહેરાઓને જોઈને ભીખ માગતો. એ દિવસે ખબર નહીં કેવી રીતે છાપામાં ‘ભારતને આર્થિક મદદ આપવામાં આવશે’ એવા આનંદના છપાયેલા સારા
સમાચાર વાંચતા વાંચતા મારું ધ્યાન બસ સ્ટેન્ડ પરના એ ભિખારી તરફ ગયું. એ એટલા જ ઉત્સાહ અને પ્રમાણિકતાથી એક નવી આવેલી બસની સામે ભીખ માગી રહ્યો હતો, જે ઉત્સાહથી આઝાદીના વર્ષો વિતી ગયા પછી પણ આપણો દેશ આર્થિક મદદ માગતો રહે છે. રોજ રોજ આપણને આર્થિક મદદ માગવાના, એને લેવાના, આ બાબતે પ્રયત્નો કરવા, યોજનાઓ બનાવવી, દાવપેચ તૈયાર કરવા જેવા સમાચારો છાપામાં વાંચવા મળે છે. ભારત આખો વખત કોઈ પારકા દેશના ખિસ્સા ખાલી કરવામાં જ વ્યસ્ત રહેતું હોય છે કે “અમને આપો! અમને પહેલા આપ્યું છે, હજી પાછું થોડું આપો! વધારે આપો, ઓછું આપો, પણ આપો! અમને દાનમાં આપો! દાન ના આપી શકો તો લોન આપો! વ્યાજ વગર આપો કે ભલે વ્યાજ સાથે આપો, પણ અમને લોન આપો! બસ, અમને આપો એટલા માટે કે એ ‘ભારત’ છે! ભારતને આપવું જોઈએ. જો તમે અમેરિકન છો, રશિયન છો, આરબ છો કે પછી ફ્રાંસથી છો- તમે જે કોઈ પણ હશો, બસ અમને આપો! બસ સ્ટેન્ડનો ભિખારી બસ કઈ દિશામાંથી આવી રહી છે, એ નથી જોતો. તેનાથી એને ફરક પણ નથી પડતો. બસ છે, એટલે ભીખ માગવી એ એનો હક છે, કર્મ છે, નીતિ છે. એ માગશે જ!
બસો છે કે કમબખ્ત લગાતાર એક પછી એક આવતી રહે છે અને ભિખારી છે કે એને ભીખ માગવાથી ફુરસદ નથી કે એક મિનિટ માટે આરામ કરી લે. આઝાદી પછી સતત માગી રહ્યો છે- બસ સ્ટેન્ડનો ભિખારી- આપણો દેશ!
અચાનક બસ આવી જાય છે અને તગડો ભિખારી કૂદી પડે છે. કુવૈતનો શેખ કટોરામાં નાખીને હજી પાછો ફર્યો જ હતો કે આટલામાં ફ્રાંસના વડા પ્રધાન આવી પડ્યા. ફ્રાંસના વડા પ્રધાને થોડું ઘણું આપ્યું ત્યારે જ ખબર પડી કે અમેરિકામાં ગરીબ દેશોને મદદ વહેંચવા માટેની મિટિંગ થઈ રહી છે. કટોરો હાથમાં લઈને કૂદી પડ્યા અને ઝૂટવી લાવ્યા જેટલું મળ્યું એટલું. ત્યારે ખબર પડી કે વર્લ્ડ બેન્ક પોતાના કંટ્રોલની થોડી ગાંઠ ઢીલી કરવા માગે છે. તો દોડો એ તરફ કે જેથી વિકાસના નામ પર આપણને પણ કંઈક મળી જાય. શાંતિ નથી ભારતીય આત્માને! ભારત, બસ સ્ટેન્ડ પરના ભિખારી જેવો થઈ ગયો છે. ભારત પાસે બધું છે, એ બધું કરી શકે છે, પણ ભારતને શાંતિ નથી. અમને ભીખ આપો કારણ કે અમને કરોડપતિ થવું છે. અમારે ટી.વી., કપડાં, પરફ્યુમ, મેક-અપ, વગેરે ઇમ્પોર્ટેડ સામાન ખરીદવો છે. અમને લોન આપો, મદદ કરો, જેથી અમે ખાલી રૂમોવાળી મોંઘી હોટેલો બનાવી શકીએ. અમે કંઈ પણ કરીએ, એનાથી તમને શું લેવા-દેવા? ચલો, ચલો, તમે ફટાફટ કટોરામાં સિક્કા નાખો! નકામો અમારો સમય ન બગાડો. અમારે બીજી જગ્યાઓ પર પણ ભીખ માગવા જવાનું છે.
આ દેશ, બસ સ્ટેન્ડ પરના ભિખારી જેવો થઈ ગયો છે. એ તગડા ભિખારીને ભીખ માંગતા જોઈને, જે ઉદાસી મારા મનમાં છવાઇ જાય છે, એવી જ ઉદાસી છાપામાં રોજ મદદ અથવા લોન માગવાના સમાચાર વાંચીને પણ છવાઇ જવી જોઈએ. ક્યારે થાકશે બસ સ્ટેન્ડનો આ ભિખારી ભીખ માગતા? ક્યાં સુધી એ સાચુકલી અપંગ છોકરીનો હક્ક છીનવતો રહેશે? આઝાદીના કેટકેટલાંયે વર્ષ વિતી ગયાં, ક્યારે શરમ આવશે પેલા તગડા ભિખારીને?