નવી દિલ્હી: ગૂગલને ડિજિટલ જગત પર વર્ચસ્વ જાળવી રાખવાના પ્રયાસમાં પહેલા જ પગલે ફટકો પડ્યો છે. ગૂગલે ચેટજીપીટીને કારણે સર્જાનારી સ્પર્ધાનો સામનો કરવાની તૈયારીરૂપે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) સર્વિસ બીએઆરડી (બાર્ડ) લોન્ચ કરી છે.
જોકે, દુનિયાની સૌથી મોટી ટેકનોલોજી કંપની પૈકી એક ગૂગલ એક સવાલનો સાચો જવાબ શોધવામાં થાપ ખાઇ ગઇ હોવાથી તેને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે.
પ્રસાર માધ્યમોમાં ઉપલબ્ધ માહિતી અનુસાર ગૂગલે પોતાના નવા એઆઇ ચેટબોટને માટે બનાવેલી એક પ્રમોશનલ એડમાં એક સવાલનો જવાબ ખોટો પડતા ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. માહિતી અનુસાર આલ્ફાબેટના શેર લગભગ આઠથી નવ ટકા સુધી નીચે પટકાઇ જવાને લીધે કંપનીની માર્કેટકેપને ૧૦૦ અબજ ડોલરનો ઝટકો લાગ્યો હતો.
બાર્ડ નામના બોટના પ્રમોશન માટે સોમવારે ટ્વિટર પર જારી કરાયેલી એડમાં બોટને સવાલ કરાયો હતો કે હું નવ વર્ષના બાળકને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની કઈ નવી રિસર્ચ કે સંશોધન વિશે જણાવી શકું છું? ત્યારે બાર્ડ તરફથી જવાબ આવ્યો કે આ ટેલિસ્કોપ પૃથ્વીના સૌરમંડળની બહાર કોઈ ગ્રહની તસવીરો લેનારુ પ્રથમ ટેલિસ્કોપ હતું. જોકે આ જવાબ ખોટો હતો.
આ જવાબ ખોટો હતો, ખરેખર તો ૨૦૦૪માં યુરોપિયન વેરી લાર્જ ટેલિસ્કોપ દ્વારા પૃથ્વીના સૌરમંડળની બહાર કોઈ ગ્રહની સૌથી પહેલા લેવામાં આવી હતી. આ ભૂલને એસ્ટ્રોનોમર્સે પકડી પાડી હતી. ન્યૂકેસલ યુનિવર્સિટીના એક ફેલો ક્રિસ હેરિસને ટ્વીટનો જવાબ આપ્યો કે તમારે આ ઉદાહરણને શેર કરતા પહેલાં તથ્યો ચકાસી લેવાની જરૂર હતી. આ ભૂલ રોયટર્સે પણ પકડી હતી. તેણે પણ જણાવ્યું કે ૨૦૦૪માં યુરોપિયન એડવાન્સ ટેલિસ્કોપ દ્વારા સ્પેસના એક્સોપ્લેનેટ્સ સધર્ન ઓબ્ઝર્વેટરીના સોલર સિસ્ટમની બહારના ગ્રહોની તસવીરો લેવાઈ હતી.
ગૂગલના પ્રવક્તાએ કહ્યું કે એરર એક કઠોર ટેસ્ટિંગ પ્રોસેસના મહત્ત્વને ઉજાગર કરે છે. અમે આ સપ્તાહે ટેસ્ટિંગ ટેસ્ટર્સ પ્રોગ્રામ સાથે તે શરૂ કરી રહ્યા છીએ. અમે તમામ પ્રકારની ખામીઓને દૂર કરવા માટે ઈન્ટરનલ ટેસ્ટિંગને એક્સ્ટનરલ ફીડબેક સાથે જોડી દઈશું, જેથી રિયલ વર્લ્ડ ઈન્ફર્મેશનમાં ક્વોલિટી, સેફ્ટી વગેરેના તમામ હાઈબાર્સને પૂરાં કરી શકીએ.
બાર્ડ એક ચેટબોટ સેવા છે, જે ચેટજીપીટી જેવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત છે. જોકે હજુ સુધી બાર્ડને લોન્ચ કરવામાં આવ્યું નથી, પરંતુ કંપનીએ તેની કામગીરી અને ફીચર્સ વિશે કેટલીક માહિતી આપી છે. મળતી માહિતી મુજબ, ‘એલએએમડીએ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ‘બાર્ડ’ બનાવવામાં આવ્યું છે.
તે એલએએમડીએ અને ગૂગલના પોતાના ક્ધવર્સેશનલ એઆઇ ચેટબોટ પર આધારિત છે. તેને સીઈઓ સુંદર પિચાઈએ “પ્રાયોગિક સંવાદ એઆઇ સેવા” એટલે કે, એક્સપેરિમેન્ટલ ક્ધવર્સેશનલ તરીકે ઓળખાવ્યું છે, જેને ગૂગલ આગામી અઠવાડિયામાં પરીક્ષકો માટે ખોલશે અને બાર્ડ પરીક્ષણ પછી વધુ લોકો માટે વ્યાપકપણે ઉપલબ્ધ કરાવાશે.