દસમા-બારમા ધોરણની પરીક્ષા આવતા વર્ષની ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે
નવી દિલ્હી: સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્ધડરી એજ્યુકેશન)ની દસમા ધોરણની પરીક્ષાનું પરિણામ ૯૩.૧૨ ટકા આવ્યું છે. આ પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ગયા વર્ષની ટકાવારીની તુલનામાં ૧.૨૮ ટકા ઘટ્યું છે. ગયા વર્ષે કુલ પરીક્ષાર્થીઓમાં ૯૪.૪૦ ટકા પાસ થયા હતા. ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. બોર્ડની બારમા ધોરણની પરીક્ષામાં ૮૭.૩૩ ટકા પરીક્ષાર્થી પાસ થયા હતા. પરિણામની ટકાવારીમાં ગયા વર્ષની સરખામણીમાં ૫.૩૮ પર્સન્ટેજ પોઇન્ટ્સનો ઘટાડો થયો છે. ગયા વર્ષે સીબીએસઈની બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ ૯૨.૭૧ ટકા નોંધાયું હતું.
દસમા ધોરણની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થિનીઓ આગળ નીકળી છે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાંથી પાસ થનારાઓનું પ્રમાણ ૯૨.૨૭ ટકા અને પાસ થનારી વિદ્યાર્થિનીઓનું પ્રમાણ ૯૪.૨૫ ટકા નોંધાયું છે. બારમા ધોરણની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થિનીઓની પાસ થવાનું પ્રમાણ ૬ ટકા વધારે છે.૧૬.૬૦ લાખ પરીક્ષાર્થીઓએ સીબીએસઈની બારમા ધોરણની પરીક્ષા આપી હતી.
બોર્ડે અણછાજતી સ્પર્ધા ટાળવા માટે મેરિટ લિસ્ટ જાહેર નહીં કરવાની જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓના ગુણાંકો અનુસાર તેમને પહેલા બીજા અને ત્રીજા ક્રમ આપવાની પ્રથા પણ પડતી મૂકવાની જાહેરાત કરી હતી. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓમાં અણછાજતી સ્પર્ધા ટાળવાના ઉદ્દેશથી સીબીએસઈનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં નહીં આવે. બોર્ડ વિવિધ વિષયોમાં સૌથી વધુ ગુણાંકો મેળવનારા ૦.૧ ટકા પરીક્ષાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ આપશે.
સીબીએસઈની દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં ૩.૦૮ લાખ પરીક્ષાર્થીઓએ ૯૦ ટકાથી વધુ ગુણાંક મેળવ્યા હોવાનું અને ૬૬,૦૦૦ પરીક્ષાર્થીઓએ ૯૫ ટકાથી વધુ ગુણાંક મેળવ્યા હોવાનું બોર્ડના અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યા પ્રમાણે બારમા ધોરણમાં ૧,૧૨,૮૩૮ પરીક્ષાર્થીઓએ ૯૦ ટકાથી વધુ અને ૨૨,૬૨૨ પરીક્ષાર્થીઓએ ૯૫ ટકાથી વધુ ગુણાંક મેળવ્યા છે. દસમા ધોરણમાં ૧,૯૫,૭૯૯ પરીક્ષાર્થીઓએ ૯૦ ટકાથી વધુ અને ૪૪,૨૯૭ પરીક્ષાર્થીઓએ ૯૫ ટકાથી વધુ ગુણાંક મેળવ્યા છે.
સીબીએસઈ બોર્ડના એક્ઝામ કંટ્રોલર શ્યામ ભારદ્વાજે શુક્રવારે જણાવ્યું હતું કે આવતા વર્ષ (૨૦૨૪)ની દસમા અને બારમા ધોરણની પરીક્ષા ૨૪ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. પરીક્ષાનું સમયપત્રક પરીક્ષાર્થીઓ આગોતરી તૈયારી કરી શકે એ માટે એકેડેમિક કેલેન્ડર અનુસાર યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. (એજન્સી)