(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ફેડરલ રિઝર્વના બદલાયેલા સ્ટાન્સ સાથે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક તરફથી પણ સાનૂકૂળ સંકેત મળ્યાં બાદ વિશ્ર્વબજારમાં આવેલા સુધારા પાછળ સ્થાનિક સ્તરે બેન્ક અને ફાઈનાન્શિયલ શેરોની આગેવાનીમાં લેવાલીનો મજબૂત ટેકો મળતાં શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ સતત પાંચમા સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો અને ૯૧૦ પોઈન્ટ્સ ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૭૮૦૦ પોઇન્ટની ઉપર બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વે ફુગાવો હળવો થઇ રહ્યો હોવાના આધારે વ્યાજદરનો વધારો ધીમો પાડ્યો હોવાથી એકંદર વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના માનસ પર સકારાત્મક અસર પડી હતી. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પણ એવા સંકેત આપ્યા છે કે વ્યાજદરની આક્રમક વૃદ્ધિનો દોર ધીમો પડશે.
અદાણી જૂથની સામે થઈ રહેલા આક્ષેપોને અને તેને પરિણામે એનએસસી, મોર્ગન સ્ટેનલી સહિતની અગ્રણી સંસ્થા તરફથી નેગેટીવ સંકેત મળવાના કારણે તેના શેરમાં વેચાવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
સેન્સેક્સ સત્રને અંતે ૯૦૯.૬૪ પોઈન્ટ્સ અથવા ૧.૫૨ ટકા વધીને ૬૦,૮૪૧.૮૮ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી બેન્ચમાર્ક અંતે ૨૧૯.૦૫ પોઈન્ટ્સ અથવા ૧.૨૪ ટકા વધીને ૧૭,૮૨૯.૪૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.