પંઢરપુરઃ મહારાષ્ટ્રના પંઢરપુર ખાતે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક ખાનગી સ્કૂલમાં પેપર લખતી વખતે નવ વર્ષની છોકરીનું અચાનક મોત થયું હતું, તેનાથી પરિવાર પર આભ તૂટી પડયું હતું.
પંઢરપુર સ્થિત એક ખાનગી સ્કૂલમાં એક ચોંકાવનાર બનાવ બન્યો છે, જેમાં ત્રીજા ધોરણની વિદ્યાર્થિનું અચાનક મૃત્યુ થયું છે, જેનાથી સ્કૂલ જ નહીં, પણ પરિવાર આખો દુઃખમાં ગરકાવ થઈ ગયો છે.
બનાવ અંગે જાણવા મળ્યું છે કે નવ વર્ષની અનન્યા ભાદુલે પંઢરપુરની સ્કૂલમાં ભણતી હતી. હાલમાં પરીક્ષા ચાલી રહી હોવાથી વિદ્યાર્થીઓએ રોજ સ્કૂલમાં આવવાનું અનિવાર્ય છે. કહેવાય છે કે અનન્યાની ત્રણ દિવસથી તબિયત સારી નહોતી. આમ છતાં અનન્યા રોજ સ્કૂલ જતી હતી, કારણ કે તે પરીક્ષા ચાલુ હતી. હાલમાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થયો છે, જ્યારે પંઢરપુરમાં પણ ભયંકર ઠંડી પડી રહી છે.
એક અહેવાલ અનુસાર રોજના માફક અનન્યા સ્કૂલમાં પેપર આપવા ગઈ હતી, પરંતુ ક્લાસરુમમાં પેપર લખતી વખતે અચાનક ઢળી પડી અને હાથ પગ ઠંડા પડી ગયા હતા. એ વખતે ક્લાસ ટીચર અનન્યાને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં હોસ્પિટલમાં ડોક્ટરને તેને મૃત જાહેર કરી હતી. વધુ તપાસ કરવામાં આવ્યા પછી ડોક્ટરે કહ્યું હતું કે અચાનક તેને બ્રેન હેમરેજનો સ્ટ્રોક થયો હતો. અનન્યાના અચાનક મોતથી પરિવાર પર જ નહીં, પરંતુ પંઢરપુરવાસીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે.