MSME મંત્રાલયના ડેટા અનુસાર, ઉદ્યોગપ્રધાન ગણાતા રાજ્ય ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023માં 1 જુલાઈ 2022થી 3 ફેબ્રુઆરી 2023ની વચ્ચે લગભગ 873 MSME ઉદ્યોગો બંધ થઇ ગયા હતા. આ સંખ્યા વર્ષ 2020-21ના કોવિડ કાળ દરમિયાન નાના ઉદ્યોગ બંધ થવાની સંખ્યા કરતા 12 ગણી વધુ છે. આ નવ મહિનાના ગાળા દરમિયાન સમગ્ર દેશમાં, લગભગ 10,767 MSME બંધ થઇ ગયા હતા. નિષ્ણાતોના મત મુજબ ફુગાવો અને ખરાબ લોન સાઈકલ સાથે નિકાસ અને સ્થાનિક બંને બજારોમાં માંગ ઘટવાને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો પર અસર પડી હતી.
ઉદ્યોગપતિઓના જણાવ્યા પ્રમાણે કોવીડ બાદ રશિયા-યુક્રેન યુદ્ધ શરુ થયા બાદથી, ઉત્પાદન એકમો કાચા માલની અછત અને ઇંધણના ભાવમાં તીવ્ર વધારાનો સામનો કરી રહ્યા છે. રસાયણો, કાપડ અને પ્લાસ્ટિક જેવા ક્ષેત્રોમાં MSME બંધ થવાનું વલણ વધુ છે. જ્યારે ઉદ્યોગો કોવિડ-19ની અસરોમાંથી માંડ માંડ ઉગરી રહ્યા હતા, ત્યારે કાચા માલમાં ભાવ વધારો એક મોટો પડકાર હતો. છેલ્લા એક વર્ષમાં ઇંધણના ખર્ચમાં મતબાર વધારો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિએ નિકાસ બજારોમાંથી માંગમાં ઘટાડો કર્યો. છેલ્લા બે ક્વાર્ટરથી, યુરોપ અને યુએસમાંથી ઓછી માંગને કારણે નિકાસ ઘટી રહી છે.
એક જ વર્ષમાં MSME બંધ થવાની સંખ્યામાં 77%નો વધારો થયો છે. MSME મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2021-22માં આ સમયગાળામાં 492 MSME બંધ થયા હતા. બેંકોમાં એમએસએમઈ દ્વારા લોનની ચુકવણી ન થતા પ્રતિકૂળ અસરો જોઈ રહી છે. MSMEs દ્વારા ધિરાણ મેળવવામાં ઘટાડો થયો છે, ખાસ કરીને ડિસેમ્બર ક્વાર્ટરમાં.