નિરોગી જીવન જીવવા માટે પોષણયુક્ત આહારની સાથે સાથે યોગ્ય ઊંઘ પણ જરૂરી છે. જો આ બંને વચ્ચે સંતુલન બગડ્યું તો બોડી સાઈકલ ડિસ્ટર્બ થઈ જાય છે અને તેની અસર આપણા આરોગ્ય પર પણ જોવા મળે છે. અત્યારની વાત કરીએ તો વધારે પડતાં કામ કે સ્ટ્રેસફૂલ લાઈફસ્ટાઈલને કારણે ઘણા લોકોની સ્લિપિંગ સાઈકલ ખોરવાઈ ગઈ છે પણ કયારેય વિચાર્યું છે ખરું કે જો તમારી ઊંઘ કાયમની જ ઊડી જાય તો? હવે તમે આ સવાલ સાંભળીને કદાચ એવું પણ કહેશો કે આવું કઈ રીતે શક્ય છે . પરંતુ તમારી જાણ માટે કે દુનિયામાં એક વ્યક્તિ એવી પણ છે કે જેની ઊંઘ કાયમની ઊડી ગઈ છે અને આ વ્યક્તિ 1-2 વર્ષ નહીં, પણ છેલ્લાં 61 વર્ષથી ઊંઘી જ નથી.
80 વર્ષના થાય એનજોક નામના દાદાજીએ એવો દાવો કર્યો છે કે તેઓ છેલ્લાં 61 વર્ષથી ઊંઘ્યા જ નથી. વિયેતનામમાં રહેતાં આ દાદાજીને લોકો સ્લીપલેસ મેનના નામે ઓળખે છે. એનજોકે જણાવ્યું હતું કે તેમને બાળપણમાં તાવ આવ્યો હતો અને એ રાત બાદ તેઓ આજની તારીખ સુધી ઊંઘ્યા જ નથી. એટલું જ નહીં એનજોક દ્વારા તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તેઓ 1962 બાદથી ઊંઘી જ શક્યા નથી અને ત્યારથી લઈને તેઓ આજ સુધી જાગી જ રહ્યા છે. એનજોક કદાચ દુનિયાની પહેલી એવી વ્યક્તિ હશે કે જેને ઊંઘ નથી આવતી. પરંતુ આવું હોવા છતાં અન્ય લોકોની જેમ તેમની પણ ઈચ્છા છે કે તેમને પણ બાકીના લોકોની જેમ શાંતિપૂર્ણ નિદ્રા આવે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1962થી એનજોકની ઊઁઘ કાયમ માટે ઊડી ગઈ છે. છેલ્લાં કેટલાય દાયકાઓથી તેમની પત્ની, દીકરા, મિત્રો કે પડોશીઓએ તેમને ઊંઘતા જોયા જ નથી. અનેક લોકોએ તેમની પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પણ તેમના દ્વારા કરવામાં આવેલા દાવાને પડકારી શક્યું નહોતું.
નિષ્ણાતોને મતે આ બીમારીને ઈન્સોમ્નિયા તરીકે ઓળખવામાં આવે છે. આને કારણે શારીરિક અને માનસિક આરોગ્ય પર વિપરીત અસર જોવા મળે છે. આ બીમારીને કારણે એનઝોકના આરોગ્ય પર ખાસ કોઈ અસર થઈ હોય એવું દેખાઈ નથી રહ્યું. તેઓ એકદમ સ્વસ્થ છે. સવારે વોક પર જવું અને આખો દિવસ શરીરને પરિશ્રમ પડે એવા કામો પણ તેઓ કરે છે.
આ સ્લીપલેસ મેનને ગ્રીન ટી પીવાનું ખૂબ જ ગમે છે, પોતાના ખાવા-પીવાની તેઓ ખાસ દરકાર રાખે છે. તેઓ વાઈનના પણ શોખીન છે અને તેમને જીવનમાં એક જ વસ્તુની કમી ભાસે છે અને એ કમી એટલે નિરાંતની ઊંઘ…. એનજોકની ઈચ્છા છે કે એક વખત તો એક વખત પણ તેમને શાંતિથી ઊંઘ આવવી જોઈએ.