દરેક તહેવારની ઉજવણીની એક પદ્ધતિ અને શિસ્ત હોય છે. ઉતરાયણના પર્વ દરમિયાન ચાઈનીઝ માંઝાના ઉપયોગની ના પાડવા છતાં અને કાયદો કડક બનાવવા છતાં પણ લોકો સ્વયંશિસ્ત જાળવતા નથી. બીજી બાજુ આવી ઘટનાઓ ઘટતી હોવા છતાં જરૂરી તકેદારી રાખવામાં આવતી નથી અને તહેવાર ઘણા પરિવારો માટે જીવનભરની કડવી અને દુઃખદ યાદ બની જાય છે.
ઉતરાયણના બે દિવસ દરમિયાન ગુજરાતમાં છ જણે ચાઈનીઝ માંઝાને લીધેજીવ ગુમાવ્યા છે તો બેએ અગાસી પરથી પટકાતા મોત થયાના કિસ્સા નોંધાયા છે. આ સાથે સેંકડો પક્ષીએ જીવ ગુમાવ્યા છે.
વડોદરામાં 35 વર્ષીય સ્વામીજી પરમાત્મા યાદવનાગળામાં દોરી ભરાઈ જતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. સેફટી માટે તેમણે હેલ્મેટ અને ગળા પર મફલર પણ વીટાળેલું હતું. તેમ છતાં પ્લાસ્ટિક જેવો દોરો તેમના ગળા ઉપર ફરી વળતા આ દુર્ઘટના સર્જાઈ હતી. વડોદરામાં રહેતા અન્ય એક યુવકે પણ ઉતરાયણના દિવસે ગળામા દોરી ભરાવાથી જીવ ગુમાવ્યો હતો.
ઉતરપ્રદેશના પુનિતકુમાર યાદવ તેના પરિવાર સાથે નવું એક્ટીવા લેવા નિકળ્યા હતા. ત્યારે પરત ફરતા બાઈકમા આગળ બેઠેલી તેમની અઢી વર્ષની પુત્રી કીર્તિનું મોત થયું હતું.
વિસનગર શહેરના કડા દરવાજા વિસ્તારમાં રહેતા ઠાકોર રણજીતસિંહની પત્ની તેમની 4 વર્ષીય દીકરી કિસ્મતનું મોત થયું હતું. રાજકોટમાં રહેતા પરપ્રાતિંય પરિવારના છ વર્ષીય બાળકનું ગળામાં દોરી વીંટળાઈ જવાથી કમકમાટીભર્યુ મોત થયું હતું.
ઉત્તર પ્રદેશના 20 વર્ષીય નરેન્દ્ર પમાભાઇ વાઘેલાનું ગળામાં દોરી વીંટળાતા મોત થયું હતું. સારવાર માટે તેને રાજકોટ અને બાદ અમદાવાદ લાવામા આવ્યો હતો, પણ તેણે દમ તોડી દીધો હતો. મૃતક યુવાન પરિવારનો એક માત્ર કમાનાર વ્યક્તિ હતો અને ચાર બહેન વચ્ચે એક ભાઈ હતો. કલોલમાં રહેતા અને ખાનગી કંપનીમા કામ કરતા એક યુવાનનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. બે કિશોરે અગાસી પરથી પટકાતા જીવ ગુમાવ્યો હતો. આ બન્ને ઘટના રાજકોટમાં બની હતી.