મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના 711 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી ચાર દર્દીનાં મોત થયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 3,792 થઈ છે, એમ આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું.
આર્થિક પાટનગર મુંબઈમાં કોરોનાના નવા 218 કેસ નોંધાયા હતા, જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,162 થઈ છે. મુંબઈમાં કોરોનાના 21 દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે કુલ હોસ્પિટલમાં દાખલ કરનારાની સંખ્યા 91 થઈ છે, જેમાંથી 33 દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19 અને ઈન્ફ્લુએન્ઝાના કેસ ઝડપથી વધી રહ્યા છે, તેથી સરકારે પણ વિશેષ તૈયારીઓ કરી છે. હાલમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે, એમ આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે દાવો કર્યો હતો.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સાથે ઈન્ફ્લુએન્ઝામાં વધારો થયો છે, પણ પરિસ્થિતિ અંકુશમાં છે. કોરોનાને લઈ કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે, જ્યારે રાજ્ય સરકાર પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ભવિષ્યમાં કોઈ વિપરિત પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેના ઉપાય માટે સરકાર પણ તૈયાર છે. કોરોનાના વધતા કેસને લઈ મહારાષ્ટ્રના પાલઘરમાં સરકારી, અર્ધસરકારી સ્કૂલ, કોલેજ અને બેંકના કર્મચારીઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. ગઈકાલે પણ મહારાષ્ટ્રમાં કોરોનાના 248 કેસ નોંધાયા હતા, જ્યારે એક દર્દીનું મોત થયું હતું. સોમવારની તુલનામાં કોરોનાના કેસમાં બેવડો વધારો થયો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.