કેનેડા જવા માટે ગુજરાતીઓની જેમ પંજાબીઓ પણ ભારે ઉત્સુક હોય છે. અભ્યાસ અને કામ માટે કેનેડા જનારા ભારતીયોની સંખ્યા છેલ્લા દસેક વર્ષમાં ઘણી વધી ગઈ છે. જોકે આને લીધે છેતરામણીના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. એક વર્ગ એવો છે કે જેમને ખબર છે કે તેઓ ગેરકાનૂની રીતે ઘૂસી રહ્યા છે છતાં વિદેશ જવાની લાલચે જાય છે, જ્યારે એક વર્ગ માહિતીના અભાવે અજાણતા નકલી એજન્ટોનો ભોગ બને છે અને પછી જે તે દેશમાં મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવું જ કંઈક ભારતના 700 વિદ્યાર્થીઓ સાથે બન્યું છે, જેમને કેનેડા ગયા પછી ખબર પડી છે કે જે દસ્તાવેજોના આધારે તેમને અહીં મોકલવામાં આવ્યા હતા, તે ખોટા છે.
એક અહેવાલ અનુસાર કેનેડા બોર્ડર સિક્યોરિટી એજન્સીએ સાતસો જેટલા ભારતીય વિદ્યાર્થીને દેશનિકાલની નોટિસ આપી છે. તેમણે જે શૈક્ષણિક સંસ્થામાં એડિમશન લીધું હતું, તેનો એડમિશન ઓફર લેટર નકલી હતો. વાસ્તવમાં તેમને એડમિશન મળ્યુ જ ન હતું. જલંધર ખાતેની બ્રિજેશ મિશ્રા દ્વારા ચલાવવામાં આવતી એજન્સી દ્વારા આ વિદ્યાર્થીઓએ સ્ટડી વિઝા માટે અરજી કરી હતી. એક વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર તેઓ જ્યારે ટોરન્ટો પહોંચ્યા ત્યારે તેમને એક ફોનકોલ આવ્યો કે તેને જે કોલેજમાં એડમિશન મળ્યું છે તેમ કહી મોકલ્યા હતા ત્યાં એડમિશન ફૂલ થઈ ગયા છે. આથી તેઓએ છ મહિના માટે રાહ જોવી પડશે અથવા તો બીજી કોલેજમાં એડમશિન લેવું પડશે. મિશ્રા પર ભરોસો કરતા આ વિદ્યાર્થીઓએ અન્ય કોલેજમાં એડમિશન લઈ લીધું અને કોર્સ પૂરો કર્યા બાદ તેમને વર્ક પરમિટ પણ મળી. તે સમયે વિદ્યાર્થીઓએ ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટને દસ્તાવેજો રજૂ કર્યા. આ સમયે સિક્યોરિટી એજન્સીએ દસ્તાવેજો ચકાસ્યા ત્યારે સમજાયું કે પહેલી કોલેજના જે એડિમશન ડોક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા હતા, તે નકલી હતી. હવે આ તમામને ડિપોર્ટેશન નોટિસ આપવામાં આવી છે. જોકે તેમને તેમની બાજુ એજન્સી સામે રજૂ કરવાની એક તક આપવામાં આવશે, તેમ જાણવા મળ્યું હતું.
જોકે આ વિદ્યાર્થીઓ આટલા સમય અહીં રહ્યા, વળી તેમને કોલેજના નકલી એડમિશન લેટરની ખબર ન પડી વગેરે જેવા ઘણા સવાલો છે, જેના જવાબ તપાસ થયા બાદ જાણવા મળશે.