8 વર્ષની નાનકડી બાળકીને તેની માતા રમકડું અપાવવાની લાલચે અજાણી જગ્યાએ લઈ જાય છે. ચોક્કસ નિર્ધારિત સ્થળે પહોંચ્યા બાદ ત્યાં પહેલાંથી જ બે બીજી વ્યક્તિઓ હાજર હતી. આ વ્યક્તિઓ બાળકી કંઈ પણ સમજે એ પહેલાં તેના હાથ પગ પકડી રાખે છે અને દરમિયાન એક મહિલા બાળકીના પ્રાઈવેટ પાર્ટ પર બ્લેડનો ઉપયોગ કરીને તેની સુન્નત કરી નાખે છે. આ ઘાતકી પ્રક્રિયાને કારણે બાળકી દર્દથી ચીસો પાડી ઉઠે છે.
દવા અને ડ્રેસિંગ બાદ પણ રક્તસ્રાવ બંધ નથી થતો. બાળકીની માતાને થયું કે આજે તે પોતાની દીકરીને ગુમાવી દેશે. બીજા દિવસે સવારે બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવે જ્યાં ટાંકા લઈને બાળકીની સારવાર કરવામાં આવી અને રક્તસ્રાવ બંધ થઈ ગયો અને બાળકી બચી જાય છે.
આ બાળકી તો માત્ર એક દાખલો છે, પરંતુ દુનિયાના 92 દેશોમાં 20 કરોડથી વધુ મહિલાઓએ તેમના જીવનમાં આ પીડાદાયક અનુભવમાંથી પસાર થવું પડ્યું છે અને દિવસે દિવસે આ સંખ્યા વધતી જ જઈ રહી છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ પ્રથાને માનવાધિકારનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને આ જ કારણસર દર વર્ષે 6 ફેબ્રુઆરીને સ્ત્રી સુન્નત વિરુદ્ધ ‘ઈન્ટરનેશનલ ઝીરો ટોલરન્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે.
સુન્નત પ્રથામાં મહિલાઓની વજાઈનાનો એક ભાગ ધારદાર બ્લેડ કે છરી વડે કાપી નાખવામાં આવે છે અને મોટેભાગે આ જ્યારે બાળકી 1થી 15 વર્ષની થાય છે ત્યારે કરવામાં આવે છે. આ ખૂબ જ ઘાતકી અને દુઃખાવાવાળી પ્રથા છે, જેમાં બાળકીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે.
એક ફેમસ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે ફર બજાવનાર ડોક્ટરના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ઘરની દાદી કે માતા છોકરીને ફરવાના નામે ઘરની બહાર લઈ જાય છે. ત્યાં એક રૂમમાં પહેલેથી જ લોકો હાજર હોય છે. તેઓ બાળકીના બંને પગ પકડી રાખે છે. પછી ક્લિટોરિસ હૂડને ખાસ તીક્ષ્ણ છરી, રેઝર બ્લેડ અથવા કાતર વડે એક જ કટમાં અલગ કરવામાં આવે છે.
પ્રાચીન સમયમાં, રક્તસ્રાવ બંધ કરવા માટે ઠંડી રાખનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજકાલ એન્ટિબાયોટિક પાવડર અથવા લોશન અને કોટનનો ઉપયોગ થાય છે. રક્તસ્રાવ બંધ થયા પછી લગભગ 40 મિનિટ પછી બાળકીને ઘરે મોકલવામાં આવે છે. તેને ત્રણથી ચાર દિવસ રમવાની મનાઈ કરવામાં આવે છે. ક્યારેક છોકરીના બંને પગ એક અઠવાડિયા સુધી બાંધીને રાખવામાં આવે છે.
મુસ્લિમ અને યહૂદી સમુદાયોમાં જન્મેલા છોકરાંઓની પણ સુન્નત કરવામાં આવે છે. આમાં, તેમના શિશ્નની આગળની ચામડી એટલે કે ઉપરના ભાગની ચામડી કાપીને અલગ કરવામાં આવે છે. એક લેખ અનુસાર, આ સમય દરમિયાન બાળકોને પીડા થાય છે, પરંતુ તેઓ 7 થી 10 દિવસમાં સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે ડબ્લ્યુએચઓ અનુસાર, સ્ત્રીઓને સુન્નત કર્યા પછી તરત જ ગંભીર પીડા, રક્તસ્રાવ, સોજો, તાવ, ચેપ, ન સાજા થતો ઘા અને આઘાત જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ પ્રથા પર પ્રતિબંધ મૂકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે સુન્નત કર્યા પછી ઘણી સ્ત્રીઓ જીવનભર સેક્સનો આનંદ માણી શકતી નથી. સંબંધ બાંધતી વખતે તેમને પીડાનો સામનો કરવો પડે છે. વાસ્તવમાં મહિલાઓને જે જાતીય આનંદ મળે છે તેમાં ક્લિટોરિસની ભૂમિકા મહત્વની હોય છે. સેક્સ દરમિયાન ક્લિટોરિસ મોટો અને સખત થતો જાય છે. જો સુન્નત દરમિયાન ભગ્નને નુકસાન થાય છે, તો સ્ત્રીની સેક્સ લાઇફને અસર થાય છે.
આ મામલે 2018માં કરવામાં આવેલા એક સર્વેમાં 33% મહિલાઓએ સ્વીકાર્યું હતું કે સુન્નતના લીધે તેમની સેક્સ લાઈફ બગડી હતી. આ મહિલાઓએ જણાવ્યું કે તેમને સેક્સની કોઈ ઈચ્છા નથી થતી, જાતીય આનંદ નથી મળતો
યુએન દ્વારા ડિસેમ્બર 2012માં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં 2030 સુધીમાં આ પ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. ઇજિપ્તમાંથી જ આ કુપ્રથાનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે, પરંતુ 2008માં ત્યાં પણ તેના પર પ્રતિબંધ તો મૂકવામાં આવ્યો હતો, પરંતુ સુન્નતના મોટાભાગના કેસો હજુ પણ ત્યાં થાય છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા, કેનેડા, બેલ્જિયમ, સ્વીડન, ડેનમાર્ક, યુકે, અમેરિકા અને સ્પેન સહિત ઘણા દેશો મહિલા સુન્નતને અપરાધ જાહેર કરી ચૂક્યા છે.