છેલ્લાં કેટલાક વર્ષોની વાત કરીએ તો માત્ર દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં અનેક સેલિબ્રિટીઓએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો હતો અને 2023માં પણ હાર્ટ એટેકના કારણે ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય દેશમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.
આ અંગે આરોગ્ય નિષ્ણાતો પણ હૃદયરોગના દર્દીઓની સંખ્યાને લઈને ચિંતિત છે. આ બાબતે ડૉક્ટરોનું એવું કહેવું છે કે લોકોએ જો હૃદય સંબંધિત બીમારીઓથી બચવું હોય તો તેમણે તેમની જીવનશૈલીમાં સુધારો કરવો પડશે. આને કારણે હાર્ટની હેલ્થ સુધરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાટા 1mg લેબ્સના એક રિપોર્ટમાં એવું સામે આવ્યું હતું કે ભારતમાં 66 ટકાથી વધુ લોકોના લોહીમાં હોમોસિસ્ટીનનું પ્રમાણ સામાન્ય કરતા વધારે છે. હોમોસિસ્ટીનનું સ્તર વધવાને કારણે હૃદય ખૂબ જ સંવેદનશીલ બની જાય છે. ફોલિક એસિડ અને વિટામિન B12 ની પોષણની ઉણપને કારણે હોમોસિસ્ટીનનું પ્રમાણ વધી જાય છે. સપ્લિમેન્ટ્સ દ્વારા અથવા ફળો, શાકભાજી અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોથી તેમ જ પૌષ્ટિક આહાર દ્વારા સુધારી શકાય છે.
હોમોસિસ્ટીન એ એમિનો એસિડ છે. હોમોસિસ્ટીનનું ઊંચું સ્તર વિટામિન B-12 (કોબાલામિન), વિટામિન B-6 (પાયરિડોક્સિન) અને વિટામિન B-9 (ફોલિક એસિડ, ફોલેટ) જેવા મુખ્ય વિટામિન્સમાં ખામી સૂચવે છે. વ્યક્તિમાં હોમોસિસ્ટીનની સામાન્ય શ્રેણી 5 થી 15 માઇક્રોમોલ્સ પ્રતિ લિટર (mcmol/L) હોવી જોઈએ. જો હોમોસિસ્ટીન 50 કે તેથી વધુ હોય તો તે અત્યંત જોખમી બની જાય છે. તેનાથી હૃદયની ધમનીઓને ગંભીર નુકસાન થઈ શકે છે. હોમોસિસ્ટીનના ઉચ્ચ સ્તરને હાઇપરહોમોસિસ્ટીનેમિયા કહેવામાં આવે છે.
હાઈપર હોમોસિસ્ટીનેમિયા થવાના કેટલાક પરિબળો જવાબદાર છે. આ ઘટના પાછળ કેટલાક પરિબળો જવાબદાર છે. થાઈરોઈડ હોર્મોનનું સ્તર, સોરાયસીસ, કિડનીની બીમારી, જીનેટિક્સ અને અમુક પ્રકારની દવાઓ પણ આ સમસ્યાનું કારણ બની શકે છે.