કવર સ્ટોરી – હેન્રી શાસ્ત્રી
૩૦ વર્ષનો ડિંગ લિઝેન વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો એમાં ૧૯૯૧માં મહિલાઓનું વિશ્ર્વ વિજેતાપદ મેળવનાર શિયા જુનનો સિંહણ ફાળો છે
‘દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે’ એ બહુ જ જાણીતી કહેવતનો સાક્ષાત્કાર તાજેતરમાં કઝાકસ્તાનમાં આયોજિત ૧૭મી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં વિજેતાના તાજના હકદાર બનેલા ચીનના ચેસ પ્લેયર ડિંગ લિઝેનની સફળતામાં ઊડીને આંખે વળગ્યો છે. રશિયન ગ્રાન્ડમાસ્ટર ઈયાન નિપોમિશીને રેપિડ ટાઈબ્રેકમાં હરાવી ડિંગ આ વિજેતાપદ મેળવનાર પહેલો ચીની ખેલાડી અને બીજો એશિયન ખેલાડી સાબિત થયો છે. આ સન્માન મેળવનાર પહેલો એશિયન ખેલાડી છે ભારતનો વિશ્ર્વનાથન આનંદ. મથાળું વાંચી ડિંગની સફળતામાં એના માતુશ્રી કે પત્ની-ગર્લફ્રેન્ડનો હાથ છે એવું સમજી લેવાની ઉતાવળ નહીં કરતા.
જાણીને નવાઈ લાગશે કે ૧૯૬૦ના દાયકામાં તો આ ‘પશ્ર્ચિમી રમત’ રમવા પર ચીનમાં પ્રતિબંધ હતો. જોકે ૧૯૯૧માં આયોજિત મહિલા વિશ્ર્વ ચેમ્પિયનશિપમાં ચીનની શિયાઈ જુન નામની ખેલાડી વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી દેશના રમત માટેના દ્રષ્ટિકોણમાં ધરમૂળથી બદલાવ આવી ગયો. શિયાઈ જુન આ વિશ્ર્વ વિજેતાપદ મેળવનાર પ્રથમ બિન રશિયન ખેલાડી સાબિત થઈ. આ ભવ્ય સફળતાને પગલે ચીનની સરકાર ચેસમાં રુચિ લેવા લાગી અને ‘બિગ ડ્રેગન પ્લાન’ નામના આયોજન હેઠળ ચીની ખેલાડીઓને ચેસમાં પ્રવીણ બનાવવાની ઝુંબેશ શરૂ થઈ. ચીનની શાળાઓમાં ચેસ ક્લબ શરૂ કરવામાં આવી, ટ્રેનિંગ આપતી ઇન્સ્ટિટ્યૂટ ખોલવામાં આવી અને ઢગલામોઢે ટૂર્નામેન્ટ રમવાની શરૂઆત થઈ. આમ જે રમત પર રાષ્ટ્રીય પ્રતિબંધ હતો એમાં મહિલાએ વિજય મેળવતા એ જ રમતને સરકાર દ્વારા જ હૈયાસરસી ચાંપવામાં આવી. ખેલકૂદ ઝુંબેશના ૩૨ વર્ષ પછી આજે ચીનનો પહેલો શતરંજ ખેલાડી ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. આમ ૬૪ ચોકઠા (ચેસ બોર્ડ પર ૬૪ ખાના હોય છે)ના રાજા (ડિંગ લિઝેન)ની સફળતા પાછળ રાણી (શિયાઈ જુન)નો સિંહણફાળો છે એમ ચોક્કસપણે કહી શકાય. ડિંગના જન્મ પહેલાં જ તખ્તો તૈયાર થઈ ગયો હતો.
ચેસ બોર્ડની ક્વીનનું પણ યોગદાન
ચેસની રમતની પ્રાથમિક જાણકારી હશે તો એટલું જરૂર જાણતા હશો કે ચેસ બોર્ડ પર ૬૪ ખાનાં હોય અને પ્રતિસ્પર્ધીઓ ધોળા અને કાળા મોહરાથી બાજી રમે. આધુનિક ચેસમાં દરેક ખેલાડી પાસે ૧૬ મોહરા (પીસ) હોય છે. એમાં આઠ પાયદળ(Pawn), બે હાથી(Rook),બે ઘોડા (Knight)ં, બે ઊંટ (Bishop)એક વજીર અથવા રાણી (Queen)અને એક રાજા (King)નો એમાં સમાવેશ હોય છે. ચેસની રમતમાં પહેલી ચાલ ખેલાડી કઈ ચાલે છે એ બહુ મહત્ત્વની બાબત ગણાય છે. ડિંગ લિઝેને છેલ્લાં ત્રણેક વર્ષમાં જે સફળતા મેળવી છે એમાં Queen’s Gambit Declined તરીકે ઓળખાતી પ્રાથમિક ચાલનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. આ ચાલમાં સફેદ મોહરાથી રમી રહેલો ખેલાડી પ્રતિસ્પર્ધીને પોતાનું પ્યાદું મારવા તાસક પર ધરી દે, પણ કાળા મોહરાથી રમતો ખેલાડીને એવી લાલચ ન થાય અને એ સફેદ પ્યાદું મારવાને બદલે રાજાની આગળ રહેલું પ્યાદું એક ઘર આગળ ખસેડે અને પોતાની બાજુ મજબૂત બનાવે. વર્લ્ડ ચેમ્પિયનશિપના મુકાબલામાં આ શૈલીથી રમવાનો વ્યૂહાત્મક લાભ ડિંગને થયો જે એના વિશ્ર્વ વિજેતાપદ મહોર મારવામાં નિમિત્ત બન્યો. આમ અહીં પણ ‘સ્ત્રીનો હાથ’ કામ કરી ગયો.
યુદ્ધ નિમિત્ત બન્યું
વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત ૨૦૦૭ની વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં સ્તબ્ધ કરી દેનારું પરિણામ એ હતું કે ભારતનો બાંગ્લાદેશ સામે પરાજય થયો હતો. આ હારના ક્રિકેટલક્ષી કારણો આપવામાં આવ્યાં હતાં. સાથે સાથે ‘આ પરાજય માટે ઈન્દિરા ગાંધી જવાબદાર છે’ એવું રમૂજી કારણ સુધ્ધાં આપવામાં આવ્યું હતું. વાત સમજાય એ માટે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ૧૯૭૧માં શ્રીમતી ગાંધીના નેતૃત્વ હેઠળ ભારતીય સહાયને કારણે પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. જો ઈન્દિરાજીએ બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં મદદ ન કરી હોત તો બાંગ્લાદેશ અસ્તિત્વમાં જ ન આવ્યું હોત અને આપણે હાર્યા ન હોત એવો તર્ક લગાડવામાં આવ્યો હતો. આમ ૧૯૭૧નું એ યુદ્ધ અને એને પગલે ઈન્દિરા ગાંધીને રાહુલ દ્રવિડના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમના આંચકો આપનારા પરાજય માટે ‘કારણભૂત’ માનવામાં આવ્યા હતા. એ એક રમૂજહતી, પણ ડિંગ લિઝેન વર્લ્ડ ચેમ્પિયન બન્યો એમાં રશિયા – યુક્રેન યુદ્ધ સાચા અર્થમાં નિમિત્ત બન્યું છે. વાત વિગતે જાણવા જેવી છે. રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણને રશિયન ગ્રાન્ડમાસ્ટર સર્ગેઈ કરિઆકનએ સમર્થન જાહેર કરતા આંતરરારાષ્ટ્રીય ચેસ મહામંડળે આ રશિયન ખેલાડી પર છ મહિનાનો પ્રતિબંધ મુક્યો હતો. પરિણામે ૨૦૨૩ની વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ગત વિશ્ર્વ વિજેતાને પડકારવા માટે જરૂરી કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટમાં રમવા કરિઆકન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કરિઆકન માટે દરવાજા બંધ થયા અને લિઝેન માટે દરવાજા ખૂલી ગયા. તેને કેન્ડિડેટ્સ સ્પર્ધામાં રમવાની તક મળી. જૂન, ૨૦૨૨માં આયોજિત થયેલી આ કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટમાં રશિયન ચેસ પ્લેયર ઈયાન નિપોમિશી પહેલા સ્થાને રહ્યો અને ડિંગ લિઝેન બીજા ક્રમે રહ્યો હતો. એટલે વર્લ્ડ ચેમ્પિયનની લડત ૨૦૨૧ના ચેમ્પિયન નોર્વેના મેગ્નસ કાર્લસન અને રશિયન ગ્રાન્ડમાસ્ટર ઈયાન નિપોમિશી વચ્ચે થશે એવું ચિત્ર ઊપસ્યું હતું. જોકે ગયા જુલાઈમાં અણધારી ઘટના બની. પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા કાર્લસનને ‘હવે ઉત્સાહ નથી’ એવું કારણ આપી સ્પર્ધામાં ઉતારવાની ના પાડી અને ડિંગના નસીબ આડેનું પાંદડું ખસી ગયું. કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટમાં રનર્સ અપ એટલે કે બીજા સ્થાને રહ્યો હોવાથી નિપોમિશી સામે વિશ્ર્વ વિજેતાપદની હોડમાં ઉતારવાની તક તેને મળી. આમ રશિયા-યુક્રેન યુદ્ધ ડિંગને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સહભાગી કરવામાં નિમિત્ત બન્યું.
એડીચોટીનું જોર
અલબત્ત આ બધું વાંચવામાં લાગે છે એટલું આસાન નહોતું. પ્રતિબંધને પગલે રશિયન ગ્રાન્ડમાસ્ટર સર્ગેઈ કરિઆકન પર ચોકડી લાગી જતા રેટિંગના જોરે એના સ્થાને રમવાની તક મેળવવા ડિંગ લિઝેન માટે જૂન, ૨૦૨૧થી મે, ૨૦૨૨ દરમિયાન આંતરરાષ્ટ્રીય ચેસ મહામંડળ પ્રમાણિત ૩૦ ક્લાસિકલ ગેમ રમવી જરૂરી હતું. કોવિડના પ્રતિબંધને કારણે આ તબક્કા સુધી ડિંગ આવી ચાર જ મૅચ રમી શક્યો હતો. અહીં ચાઈનીઝ ચેસ ફેડરેશન ડિંગની મદદે દોડી આવ્યું. ફેડરેશને ત્રણ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું જેને કારણે ડિંગને ૨૮ મેચ રમવાની તક મળી અને એ પણ ચીની પ્રતિસ્પર્ધીઓ સામે. આ ૨૮માંથી ૧૩ ગેમમાં એનો વિજય થયો અને ૧૫ ગેમ ડ્રો થઈ. આ પર્ફોર્મન્સને કારણે એના રેટિંગમાં વધારો થયો જેનો લાભ ડિંગને થયો. ટેક્નિકલ મુદ્દાની પળોજણમાં ન પડીએ પણ દેશનો ખેલાડી આગળ વધી શકે એ માટે ચીનના ચેસ મહામંડળે કેવી કોશિશ કરી એની નોંધ લઈએ. આવા પ્રયત્નો ઉત્સાહ વધારી આગળની સફરમાં ઈંધણ પૂરું પાડે છે. ચેસની રમતના વિકાસ પાછળની આ પ્રતિબદ્ધતાના મીઠાં ફળ ચીનને ચાખવા મળી રહ્યા છે. શિયાઈ જુન ચેમ્પિયન બન્યા પછી છેલ્લા ૩૨ વર્ષમાં અનેક મહિલા વર્લ્ડ ચેમ્પિયનનો તાજ પહેરવામાં સફળ રહી છે. વાત આટલેથી અટકી નથી અને ‘સ્ત્રીનો હાથ’ના ફળસ્વરૂપે તાજેતરના વર્ષોમાં ચીનમાં કેટલાક કાબેલ ચેસ પ્લેયર તૈયાર થયા છે અને છેક ખેલાડી વિશ્ર્વના ટોપ ૨૦ ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે.
રશિયન પ્રભુત્વ
ચાર વર્ષની ઉંમરે ચેસ રમવાનું શીખનાર ડિંગ લિઝેને પાંચ વર્ષની ઉંમરે તો પહેલું રાષ્ટ્રીય વિજેતાપદ મેળવ્યું હતું. ૧૬ વર્ષની ઉંમરે ૨૦૦૯માં તેનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજવાની શરૂઆત થઈ હતી. કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટના આધારે આગળ વર્ષના વિજેતાને પડકારનાર ખેલાડીની વરણી કરવાનો નિયમ ૧૯૪૮માં અમલમાં આવ્યા પછી અમેરિકાના બોબી ફિશર અને આપણા વિશ્ર્વનાથન આનંદના અપવાદને બાદ કરતા રશિયન ખેલાડીઓ જ વર્લ્ડ ચેમ્પિયન બનતા આવ્યા છે, આ વર્ષે ડિંગ લિઝેને મેળવેલી સફળતા વહેણ બદલે છે કે કેમ એ જોવાનું રહેશે.ઉ