૧ લાખ લોકોને રોજગાર મળશે કેબિનેટની મંજૂરી, ઘણા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રો બનશે
મુંબઇ: રાજ્ય સરકારે નવી મુંબઈ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆઇડીસી)માં વિશાળ રોકાણ યોજનાને નક્કર આકાર આપ્યો છે. મંગળવારે કેબિનેટની બેઠકમાં નવી મુંબઈમાં ઉદ્યોગ માટે આરક્ષિત ૮૫ ટકા ઔદ્યોગિક વિસ્તારમાં વધારાની અનુમતિપાત્ર સેવાઓ પ્રદાન કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણોને મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી નવી મુંબઈમાં ૬૦ હજાર કરોડનું રોકાણ થશે, જેના કારણે લગભગ એક લાખ લોકો માટે રોજગારીની તકો ઊભી થશે. આંતરરાષ્ટ્રીય તબીબી અને શૈક્ષણિક સંસ્થાઓને ઔદ્યોગિક વિસ્તાર તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ ઉદ્યોગ અત્યાધુનિક શૈક્ષણિક અને સંશોધન સુવિધાઓ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટમાં ૬૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેના કારણે એક લાખ નોકરીઓનું સર્જન થશે.
નવી મુંબઈમાં સંકલિત ઔદ્યોગિક વિસ્તાર વર્ષ ૨૦૦૬માં તત્કાલિન સરકારે સિડકો સાથે સંયુક્ત ભાગીદારીમાં ‘નવી મુંબઈ આર્થિક વિકાસ ક્ષેત્ર’ બનાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આર્થિક સ્થિતિ અને કેન્દ્ર સરકારના બદલાયેલા ટૅક્સ માળખાના કારણે સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની કામગીરી થઈ શકી નહોતી. આ માટે સરકારે ૨૦૧૮માં તેને સંકલિત ઔદ્યોગિક વિસ્તારમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી હતી. શરત મુજબ આ ઔદ્યોગિક વિસ્તારમાં સ્થાપવામાં આવનાર ઉદ્યોગો પ્રદૂષણ મુક્ત હશે.
નવી મુંબઈની વિશેષ ભૌગોલિક રચના અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને સેવા ક્ષેત્ર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હવે આ વિસ્તારમાં માહિતી અને ટૅક્નોલૉજી ક્ષેત્રે અત્યાધુનિક સેવાઓ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે આ વિસ્તાર માહિતી અને ટૅકનોલૉજીનું હબ બનવા જઈ રહ્યો છે.
ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વન વિન્ડો સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આનાથી રોકાણના કામમાં ઝડપ આવશે અને ઉદ્યોગપતિઓને મુશ્કેલી વેઠવી પડશે નહીં. મંગળવારે કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી, ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન સેન્ટર (વન વિન્ડો) બિલ ૨૦૨૨ને પણ મંજૂરી આપવામાં આવી હતી.
વિધેયકમાં ઉદ્યોગોને પરમિટ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા અને એજન્સીઓની જવાબદારી નક્કી કરવાની જોગવાઈઓ છે. રાજ્યમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા માટે ‘વન વિન્ડો સ્કીમ’ હેઠળ મહારાષ્ટ્રના ઉદ્યોગ, વેપાર અને રોકાણની સરળતા માટે એક ચેમ્બરની પણ સ્થાપના કરવામાં આવી છે. ઉદ્યોગ વિભાગે આ મંડળોને વૈધાનિક દરજ્જો આપવાની ભલામણ કરી છે.