પૂંચ અને રાજોરી સેક્ટરના જંગલોમાં દૂર-દૂર સુધી સૂરક્ષા બળ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અહીં 6 થી 7 આંતકવાદીઓ છૂપાયા હોવાની આશંકા છે. તેથી ઠેર-ઠેર નાકાબંદી કરી મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી છે. જંગલોની આસ-પાસ રહેતાં લોકોના ઘરે જઇને પોલીસ પૂછ-પરછ કરી રહી છે.
સેનાએ ડ્રોન અને હેલીકોપ્ટર સાથે કેટલીક ખાસ ટૂકડીઓ બનાવી છે. જે સંબધિત ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. સેના, પોલીસ અને સિક્રેટ એજન્સી સાથે સૂરક્ષા બળ સમન્વય સાધી કામ કરી રહ્યું છે.એનએનઆઇ દ્વારા મળતી માહિતી મુજબ રાજોરી અને પૂંચ બોર્ડથી અડીને આવેલ ભાટાદૂડિયા ક્ષેત્રમાં પણ સેના અને સૂરક્ષા એજન્સીઓની બે ટૂકડીઓને આ વિસ્તારમાં 6થી 7 આંતવાદીઓ હોવાની સૂચના મળી છે.
આ આંતકવાદીઓ ગુરુવારે ભારતીય સેનાના વાહન પર થયેલ હુમલામાં સામેલ હતાં. જેમાં 5 જવાન શહીદ થયા છે. આ આંતકવાદીઓનો લશ્કર-એ-તૈયબા અથવા પાકિસ્તાન સાથે સંબધ હોવાની જાણકારી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાટાદૂડિયાંમાં ગુરુવારે થયેલ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓ અને ઓજીડબલ્યુ દ્વારા સ્ટિકી બોમ અથવા તો કોઇ બીજા કેમિકલનો ઉપયોગ થયો હોવાની આશંકા દર્શાવવામાં આવી છે. જે રીતે સેનાના વાહનમાં આગ લાગી અને એક પણ જવાનને જીવ બચાવી બહાર નિકળવાનો મોકો ના મળ્યો તેનું કારણ કેમિકલનો ઉપયોગ હોઇ શકે છે એવી જાણકારી પણ સૂત્રોમાંથી મળી હતી.
સ્થાનિકોએ જણાવ્યું કે પહેલાં તો તેમને વિજળી કડકવા જેવા અવાજો સંભળાયા. અને ત્યાર બાદ જોરદાર ધમાકો થયો. થોડી જ પળોમાં અવાજો આવવા લાગ્યા કે સેનાના વાહનમાં આગ લાગી છે.