કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ટૂંક સમયમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન ચાલી રહી છે. 224 સભ્યોની વિધાનસભા માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે અને પરિણામ 13મી મેના રોજ જાહેર કરવામાં આવશે.
બપોરે ત્રણ વાગ્યા સુધી થયેલાં મતદાનની ટકાવારીની વાત કરીએ તો તે 52.03 ટકા જેટલું જોવા મળ્યું હતું. બપોરના ગરમી, તડકાની પરવાહ કર્યા વિના લોકો મતદાનનો પોતાનો હક બજાવવા લાઈનમાં ઊભા રહીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા.
આજે સાંજે 6 વાગ્યા સુધી કર્ણાટકમાં મતદાનની પ્રક્રિયા ચાલશે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુક્ત, નિષ્પક્ષ ચૂંટણી માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પ્રચારમાં રાજ્યની ત્રણેય મોટી પાર્ટીઓ – ભાજપ, કોંગ્રેસ, જેડીએસ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી.
કોંગ્રેસ મોટી જીત તરફ આગળ વધી રહી છેઃ સુરજેવાલા
કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું તે અમે અમારા વોર-રૂમમાંથી સતત તમામ મતવિસ્તારોનો પ્રતિસાદ લઈ રહ્યા છીએ. જબરજસ્ત પ્રતિસાદ એ છે કે કોંગ્રેસ પક્ષની 5 ગેરંટીઓએ મતદારોને ઉત્સાહિત કર્યા છે અને તેઓ કોંગ્રેસના ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા મોટી સંખ્યામાં પોલિંગ બૂથ પર ઉમટી રહ્યા છે અને આ જ સાથે કોંગ્રેસ મોટી જીતની દિશામાં આગેકૂચ કરી રહી છે. અમે દરેક ઉમેદવારને પોતપોતાની બેઠકો પર વધુ મતદારો એકત્રિત કરવા અને ઓછામાં ઓછા 80% મતદાનની ખાતરી કરવાનું જણાવ્યું છે, એવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપે પોતાનો મત આપ્યો
કન્નડ એક્ટર કિચ્ચા સુદીપ પણ બેંગલુરુમાં પોતાનો મત આપવા પહોંચ્યો હતો. મતદામ કર્યા બાદ અભિનેતાએ પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “મુદાઓ વ્યક્તિગત છે અને લોકોએ તેમના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ. હું અહીં એક સેલિબ્રિટી તરીકે નથી આવ્યો, હું અહીં એક ભારતીય તરીકે આવ્યો છું અને મતદાન કરવું એ મારી જવાબદારી છે.”
13મી મેના રોજ ભાજપને જવાબ મળી જશેઃ ભૂપેશ બઘેલ
કર્ણાટક ચૂંટણીને લઈને છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે પણ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં એવું જણાવ્યું હતું કે સમગ્ર દેશની નજર કર્ણાટક ચૂંટણી પર છે. એક તરફ જ્યાં અઢળક પૈસાની વહેંચણી થઈ રહી છે તો બીજી તરફ લોકોનો પ્રેમ છે. મને ખાતરી છે કે 13 મેના રોજ ભાજપને જવાબ મળી જશે અને તેમને બોધપાઠ પણ મળી જશે.
ટ્રાન્સજેન્ડર મતદારોએ મતદાન કર્યું
કર્ણાટક ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી લોકો મતદાન કરવા માટે મતદાન મથક પર ભીડ કરી રહ્યા છે. જેમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સની સાથે સાથે વ્યંઢળોએ પણ મતદાન કરીને પોતાનો હક બજાવ્યો હતો. આજે રાજ્યમાં કુલ 224 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. દરમિયાન, ઘણા ટ્રાન્સજેન્ડર મતદારોએ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.