Homeઉત્સવભારતમાં ‘પ્રોજેક્ટ ટાઇગર’નાં સફળ ૫૦ વર્ષ

ભારતમાં ‘પ્રોજેક્ટ ટાઇગર’નાં સફળ ૫૦ વર્ષ

પ્રાસંગિક -લોકમિત્ર ગૌતમ

ટાઇગર અથવા વાઘ આપણું રાષ્ટ્રીય પશુ છે. એક જમાનામાં ભારતમાં હજારોની સંખ્યામાં વાઘ હતા. વીસમી સદીની શરૂઆતમાં એમની સંખ્યા ૨૦,૦૦૦થી ૪૦,૦૦૦ની વચ્ચે હતી, પરંતુ પાછલી સદીમાં એક સમય એવો આવ્યો જયારે થતું હતું કે કદાચ ભારતની નવી પેઢી વાઘ વિશે ફક્ત પાઠ્યપુસ્તકોમાં જ વાંચી શકશે. ભારતના શિકાર પ્રિય રાજા, મહારાજાઓએ પોતાના ક્રૂર શોખને પોષવામાં વાઘોનો લગભગ સફાયો જ કરી નાખ્યો હતો. ૧૯૭૨માં જયારે પહેલીવાર વાઘોની ગણતરી થઇ, ત્યારે ખબર પડી કે એક સદી પહેલા જ્યાં ભારતમાં વાઘની સંખ્યા ૨૦થી ૪૦ હજારની વચ્ચે હતી, એ ભારતમાં ફક્ત ૧૮૦૦ વાઘ બચ્યા હતા! આ વાઘ ગણતરીના આંકડા જોઈ નિષ્ણાતો જ નહીં, તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની આંખો પણ ફાટી ગઈ. એમણે તાત્કાલિક વિશેષજ્ઞો સાથે એક મિટિંગ કરી, એમની સાથે થયેલી વાતચીતના આધારે વાઘ સંરક્ષણ માટે સૂચન હેતુ એક પેનલની રચના કરવામાં આવી. અને પછી આ પેનલના સૂચનના આધારે મહત્ત્વાકાંક્ષી “પ્રોજેક્ટ ટાઇગર” શરૂ કરવામાં આવ્યો. એના પછીની વાત આખી દુનિયા જાણે છે.
વડા પ્રધાન શ્રીમતી ગાંધીએ નિષ્ણાતોને મીટિંગમાં સીધું જ પૂછ્યું હતું કે દેશમાં વાઘની ત્રાડ ફરી ગુંજે એના માટે શું કરવું જોઈએ? આ કામ માટે બનેલી પેનલે કેટલાક મહત્ત્વપૂર્ણ સૂચન આપ્યા. આ સૂચનના આધારે પચાસ વર્ષ પહેલા ૧ એપ્રિલ, ૧૯૭૩માં દેશમાં પહેલી વખત ઉત્તરાખંડ સ્થિત કોર્બેટ નેશનલ પાર્કમાં પ્રોજેક્ટ ટાઇગર એટલે કે “વાઘ સંરક્ષણ કાર્યક્રમની શરૂઆત થઇ. આ મહિને આ પ્રોજેક્ટને પચાસ વર્ષ પૂર્ણ થયા. ૯ એપ્રિલ, ૨૦૨૩ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સફળ પ્રોજેક્ટના ૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં એક વિશેષ સિક્કો બહાર પાડ્યો. આનંદની વાત એ છે કે જ્યાં ૧૯૭૨માં થયેલી ગણતરી પ્રમાણે વાઘોની સંખ્યા ૧૮૦૦ હતી ત્યાં આજે દેશમાં વાઘોની સંખ્યા ૩૦૦૦થી વધુ છે. અત્યારે દેશમાં ૫૪ ટાઇગર રિઝર્વ છે અને બધા જ લગભગ ૭૫,૦૦૦ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા છે. ભારતનો આ ટાઇગર પ્રોજેક્ટ વન્યજીવોના સંરક્ષણના મામલે દુનિયાના આ પ્રકારના ગણ્યાગાંઠ્યા સફળ પ્રોજેક્ટમાંથી એક છે. એટલે જ નિષ્ણાતો આને વન્ય સંરક્ષણ માટે “ગ્લોરિયસ ૫૦ વર્ષ કહીને બિરદાવે છે. આજે એકલા રાજસ્થાનમાં વાઘની સંખ્યા ૧૦૦થી વધારે છે. અહીં ચાર ટાઇગર રિઝર્વ – રણથંભોર, સારિસ્કા, મુકુંદરા અને રામગઢ વિષધારી છે. જયારે પાંચમું રિઝર્વ ધૌલપુર તૈયાર થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણની અથાગ મહેનત પણ આ પરિયોજનાની સફળતા માટે એક મહત્ત્વપૂર્ણ કારણ છે. આ પ્રાધિકરણે બધા ટાઇગર રિઝર્વ પર દરેક પળ પોતાની નજર રાખી છે. અને આને કારણે આ પ્રોજેક્ટમાં માનવ અને વાઘ વચ્ચે કલહની સમસ્યા નથી આવી, જે વન્યજીવોના સંરક્ષણમાં આવે છે. એમ કહેવું ઉચિત હશે કે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ દ્વારા સંરક્ષિત કરેલા વાઘ અભયારણ્યોમાં માનવોની ઓછામાં ઓછી દખલ, આ યોજનાને સફળ બનાવવામાં મૂળ કારણ રહી છે, તો એમાં અતિશયોક્તિ નહીં હોય. ૧૯૭૩માં જયારે વાઘોના નાબૂદ થવાથી ચિંતિત તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં વાઘોના સંરક્ષણ માટે કરણ સિંહની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરી હતી, ત્યારે આ પેનલે જિમ કોર્બેટ, કાન્હા, રણથંભોર, મેલઘાટ, બાંદીપુર, માનસ, પલામુ અને સિમલીપાલ સહિત નવ ટાઇગર રિઝર્વની એક રૂપરેખા બનાવી હતી. વાઘના સંરક્ષણ માટે જે યોજના બની હતી, તેમાં શિકારીઓ પર નજર રાખવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો, વાઘના શિકાર પર કઠોર સજાની જોગવાઈ કરવામાં આવી હતી, તેમજ આ અભયારણ્યોની સુરક્ષા માટે પ્રોટેક્શન ફોર્સની રચનાની વાત પણ કરવામાં આવી હતી.
હકીકતમાં દેશ અને દુનિયામાં હાજર વાઘના શરીરના વિવિધ હિસ્સાઓના કાળાબજારે વાઘોના હાડકાં, એમની ચામડી અને શરીરના બીજા ભાગોને ખૂબ મોંઘા કરી નાખ્યા હતા. વિદેશી બજારોમાં વાઘનું માંસ, એની સાથે શરીરના બીજા ભાગો માટે મળતી મોટી રકમ ભારતમાં વાઘોની દાણચોરીને ચમકદાર હીરા જેવી બનાવી દીધી હતી. લોકો કોઈપણ કિંમતે વાઘના શરીરના વિભિન્ન અંગોને ખરીદવા તૈયાર થઇ જતા અને તેને મારીને વેંચવાવાળા માલામાલ થઇ રહ્યા હતા. એવામાં દેશમાં બચેલા વાઘોને સુરક્ષિત કરવા અને એમની આબાદી વધારવા દેશના વિભિન્ન ટાઇગર રિઝર્વમાં રહેલા વાઘોને ભરપૂર ભોજન મળે એ માટે એવા જાનવરોને છોડવામાં આવ્યા, જે વાઘનું સ્વાભાવિક ભોજન છે. એમના માટેના સુરક્ષિત આવાસોમાં પ્રજનન અને વૃદ્ધિ માટે ઇકોલોજિકલ મેકેનિઝમને વ્યવસ્થિત રૂપે સમૃદ્ધ કરવામાં આવ્યું. શરૂઆતમાં એટલા સારા પરિણામ નહોતા મળી રહ્યા, પરંતુ એટલું નક્કી હતું કે આ પ્રોસેસને ચાલુ રાખવામાં આવે તો નક્કી જ સારા પરિણામ મળશે. એ જ કારણ છે કે ૧૯૮૦માં જ્યાં ફક્ત ૯ ટાઇગર રિઝર્વ હતા ત્યારપછી એમને વધારીને ૧૫ કરવામાં આવ્યા અને ૨૦૦૫-૬ આવતા આવતા એમની સંખ્યા વધીને ૨૮ થઇ ગઈ, પરંતુ જયારે એનટીસીએ (નેશનલ ટાઇગર ક્ધઝર્વેશન ઓથોરિટી)એ વૈજ્ઞાનિક પદ્ધતિથી વાઘોની ગણતરી કરી તો એના પરિણામ જોઈને બધા જ આશ્ર્ચર્ય પામી ગયા. કેમકે આ વર્ષ આવતા આવતા વાઘોની સંખ્યા ૧૯૭૨ કરતા પણ ઓછી અંદાજિત ૧૪૧૧ રહી ગઈ હતી. એનાથી હાહાકાર મચી ગયો. નવેસરથી પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, વાઘોના સંરક્ષણ માટે ગઠિત પ્રોટેક્શન ફોર્સને વધારે મજબૂત કરવામાં આવી, વાઘોના રિઝર્વ ક્ષેત્રને માનવ વસ્તીથી દૂર કરવામાં આવ્યા અને દેશના કેટલાક રાજ્યો સુધી સીમિત ટાઇગર રિઝર્વને દેશના ૨ર રાજ્યો સુધી વિસ્તારમાં આવ્યા. સાથે જ ટાઇગર રિઝર્વની સંખ્યા ૨૮થી વધારીને ૫૪ કરવામાં આવી.
આજે આ પ્રોજેક્ટ દુનિયાના સૌથી સફળ વાઘ સંરક્ષણ પ્રોજેક્ટ તરીકે જાણીતો છે. એના માટે ખૂબ મહેનત કરવી પડી છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી એમની ગણતરી પછી વર્ષ ૨૦૧૦માં વાઘોની સંખ્યા વધીને ૧,૭૦૬ થઇ, ૨૦૧૪માં વધીને ૨,૨૨૬ થઇ ગઈ, ૨૦૧૮માં વધીને ૨,૯૬૭ થઇ ગઈ અને હવે આ સંખ્યા ૩,૦૦૦થી વધારે છે. અને એટલું જ નહીં, હવે આમાં કોઈ શંકા નથી કે એમની વાસ્તવિક સંખ્યા આટલી જ છે કે જુદી છે. કેમકે હવે આ કેમેરા અને સેટેલાઇટ દ્વારા ગણતરી કરેલા વાઘ છે,જેમાં એક જ વાઘને બે કે એનાથી વધારે વખત ગણતરીમાં લેવાયા જેવી સમસ્યા નથી.
આજે દુનિયામાં જેટલા વાઘ છે એમાંથી ૭૦ ટકા એકલા ભારતમાં છે. ૯ પ્રોજેક્ટ ટાઇગર વધીને ૫૪ થઇ ગયા છે. હવે તો કેટલાય પ્રાંતોમાં વાઘ આવકનું સાધન બની રહ્યા છે. જેમકે, રાજસ્થાનનું રણથંભોર. સારિસ્કામાં ૪૦ટકાથી વધુ પર્યટકો ફક્ત વાઘને જોવાની લાલચે આવે છે. મધ્ય પ્રદેશ જેવા રાજ્યો આજે પર્યટકોને આકર્ષિત કરવા જાણીતા છે. આજે દેશમાં બધે જ ટાઇગર રિઝર્વ છે એનાથી પરિસ્થિતિગત તંત્ર તો સારું થયું છે, કેટલાયે પ્રાંતોમાં એને કારણે પર્યટકોની સંખ્યા પણ વધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -