(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના ખમીયાણા ગામ રોડ પર આવેલી નર્મદા કેનાલના બ્રિજ પર પાંચ ફૂટ જેટલું મોટું ગાબડું પડતા વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. સ્થાનિક ગ્રામજનોએ બાવળની આડ મુકીને બ્રિજને બંધ કરી દીધો હતો, જેથી કોઈ વાહન પસાર થઈ શકે નહીં. નર્મદા કેનાલના બ્રિજ પર પડેલા ગાબડાના કારણે સ્થાનિકોમાં બ્રિજ તૂટી પડવાનો ફફડાટ ફેલાયો હતો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર બ્રિજ પર ગાબડું પડ્યું છે તેમ છતાં જિલ્લા તંત્ર તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જિલ્લાના લોકોની માગ છે કે કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા તાત્કાલિક આ બ્રિજનું સમારકામ કરી દેવામાં આવે. જોકે તંત્ર તરફથી હજુ સુધી કોઈ જવાબ
મળ્યો નથી.