ઉત્તરાયણના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અત્યારથી જ લોકો પતંગ ચગાવતા નજરે પડે છે. ત્યારે બીજી તરફ અત્યારે વિદેશી પક્ષીઓનો ગુજરતમાં આવવાનો સમય છે. એવામાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સંખ્યા વધી રહી છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કેટલાક યાયાવર પક્ષીઓ સહિત 482 ઘાયલ પક્ષીઓને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ (JCT) અને રાજ્યના વન વિભાગ પાસે લાવવામાં આવ્યા હતા. તેમાંના મોટા ભાગનાને પતંગની દોરીને કારણે ઘાયલ થયા હતા.
જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે મધ્ય એશિયાના યાયાવર પક્ષીઓ માટે ગુજરાત મહત્વનું મુકામ છે, અને હાલ મોટી સંખ્યામાં પક્ષીઓનું ગુજરાતમાં આગમન થઇ રહ્યું છે. પવનો અનુકૂળ થતાં ઉત્સાહી લોકો ડિસેમ્બરના મધ્યમાં પતંગ ઉડાવવાનું શરૂ કરી દે છે. જેથી ઘાયલ પક્ષીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે.
જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ પાસે દરરોજ સરેરાશ 70 ઘાયલ પક્ષીઓની લાવવામાં આવે છે જ્યાં તેમની સારવાર કરવામાં આવે છે, દુર્ભાગ્યે તેમાંથી દસ ટકા પક્ષીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામે છે. ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે આ વખતે તેમણે પક્ષીઓને બચાવવા 15 NGO સાથે જોડાણ કર્યું છે, જેને કારણે વધુને વધુ સ્વયમ સેવકોને આ કાર્યમાં જોડી શકાય.
મળતી માહિતી મુજબ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસોમાં 300-500 પક્ષીઓ ઘાયલ થયાના અહેવાલ ટ્રસ્ટને મળે છે. ટ્રસ્ટનું કહેવું છે કે પતંગની ચાઇનીઝ દોરી સાથે સંકળાયેલા કેસોની સંખ્યા વધી રહી છે.
ટ્રસ્ટના સ્વયંસેવકના જણાવ્યા પ્રમાણે મોટા ભાગના પક્ષીઓ માંજાના ગુચ્છામાં ફસાયને વૃક્ષો, ઝાડીઓ અને રસ્તાઓ પર અને દીવાલોમાં અટવાઈ જાય છે. ફસાયેલ પક્ષી મુક્ત થવા વધુ પાંખો ફફડાવે છે, જેને કારણે દોરી ઘામાં ઊંડે ઘસી જાય છે જેને બચાવવા બહુ મુસ્કેલ હોય છે.