ગત સોમવાર 6 ફેબ્રુઆરીના રોજ તુર્કી અને સીરિયામાં આવેલા 7.7 તીવ્રતાના વિનાશક ભૂકંપે તારાજી સર્જી છે. અત્યાર સુધીમાં કુલ 8000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જયારે હજારો લોકો ઉજગ્રસ્ત થયા છે. સેંકડો લોકો લાપતા છે જેમની શોધખોળ ચાલી રહી છે.
તુર્કીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે 6 ફેબ્રુઆરીએ આવેલા 7.7 તીવ્રતાના ભૂકંપ પછી અત્યાર સુધીમાં કુલ 435 ભૂકંપના આંચકા નોંધાયા છે. ભૂકંપ બાદ રાહત અને બચાવ કામગીરી માટે કુલ 60,217 કર્મચારીઓ અને 4,746 વાહનો અને ઉપકરણો તૈનાત કરવામાં આવ્યા છે.
તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ દુનિયાના દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે, રાહત અને બચાવ કાર્ય માટે કુલ 70 દેશોની ટીમો તુર્કી પહોંચી છે. પરંતુ તુર્કીનું ખરાબ હવામાન રાહત અને બચાવ કાર્યમાંમાં અવરોધ બની રહ્યું છે.
તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ ભારતે પણ તુર્કી તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે રાહત સામગ્રી, સાધનો અને સૈન્ય કર્મચારીઓને લઈને ચાર C-17 વિમાન મોકલ્યા હતા. 108 ટનથી વધુ વજનના રાહત પેકેજ તુર્કી મોકલવામાં આવ્યા છે.
ભારતે મોકલેલા રાહત પુરવઠામાં પાવર ટૂલ્સ, લાઇટિંગ ઇક્વિપમેન્ટ, એર-લિફ્ટિંગ બેગ્સ, ચેઈન્સ, એંગલ કટર, રોટરી રેસ્ક્યૂ આરી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડને પણ બચાવ અભિયાન માટે મોકલવામાં આવી છે.
ફિલ્ડ ઓપરેશનમાં 30 બેડની મેડિકલ સુવિધા ઊભી કરવા માટે સાધનો અને 99 કર્મચારીઓ, તેમજ વિવિધ ક્ષેત્રના તબીબી નિષ્ણાતોનો સમાવેશ થાય છે. તબીબી સાધનોમાં એક્સ-રે મશીન, વેન્ટિલેટર, ઓપરેશન થિયેટર, વાહનો, એમ્બ્યુલન્સ, જનરેટર વગેરેનો સમાવેશ થાય છે.