ચૂંટણીના 400 દિવસ બચ્યા, જે લોકો સંકલ્પ કરે છે એ જ ઈતિહાસ રચે છે…
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને 400 દિવસ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પક્ષ (ભાજપ) દ્વારા અત્યારથી મતદારો સુધી પહોંચવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મંગળવારે રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં તમામ નેતાઓને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક મતદારો સુધી પહોંચવાનું જણાવ્યું હતું. ખાસ કરીને અઢારથી પચીસ વર્ષના યુવકો પર ફોકસ કરવાનો નેતાઓને અનુરોધ કર્યો હતો. અહીંના સમાપન સમારંભમાં પક્ષના નેતાઓને અનુરોધ કરતા કહ્યું હતું કે જે લોકો સંકલ્પ કરે છે એ જ ઈતિહાસ રચે છે. બેઠક પૂરી થયા પછી આ મુદ્દે ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મીડિયાને કહ્યું હતું કે પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે ભારતનો સુવર્ણ યુગ આવશે, તેથી તમે સખત મહેનત કરો. તમારા શરીરના કણ-કણને ભારતની વિકાસગાથામાં લગાવો. ભારતના સર્વોત્તમ યુગના સાક્ષી તમે બની શકો છો. જોકે, તેમણે સમાજના તમામ વર્ગના લોકો સાથે સંબંધ બનાવવાની અપીલ કરી હતી.
વડા પ્રધાને લોકોને આહ્વાન કરતા કહ્યું હતું કે વિકાસના કાર્યમાં આપણે આપણી દરેક ઊર્જા વિકાસના કાર્યોમાં લગાવવી પડશે. આપણે મા ભોમની પોકાર સાંભળવી પડશે અને મા ભોમને બચાવવાની છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે બેઠકમાં વડા પ્રધાન મોદીએ પક્ષના પદાધિકારીઓને કહ્યું છે કે આપણે કઈ રીતે ખરાબ શાસનમાંથી સુશાસન તરફ આવ્યા છીએ. આપણે આ સંદેશ યુવાનો સુધી પહોંચાડવાનો છે. આપણે સમાજના તમામ ભાગો સાથે સંવેદનશીલતા સાથે જોડવાનું છે. મતની ચિંતા કર્યા વિના દેશ અને સમાજને બદલવાનું કાર્ય ભાજપને કરવાનું છે. વડા પ્રધાને કહ્યુ હતું કે જે પ્રકારે આપણે બેટી બચાવો અભિયાનને સફળ બનાવ્યું છે એ જ રીતે ધરતી બચાવો અભિયાન ચલાવવું પડશે. અલબત્ત, વધુ પડતા ખાતરના ઉપયોગને કારણે હવામાનમાં પરિવર્તન અને ધરતી પર પડનારા પરિણામોને ઘડાડવાની જરુર છે.