હરિયાણાના કરનાલ જિલ્લામાં વહેલી સવારે ગંભીર દુર્ઘટના ઘટી હતી. તરવાડી વિસ્તારમાં આવેલી એક રાઇસ મિલની 3 માળની ઇમારત ધરાશાયી થઇ જતા 4 મજૂરોના મોત થયા છે, જ્યારે 20 મજૂરો ઘાયલ થયા છે. હજુ ઘણા મજુરો દટાયા હોવાના અહેવાલ છે, હાલ મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મજૂરો રાત્રે બિલ્ડીંગની અંદર સૂતા હતા ત્યારે વહેલી સવારે બિલ્ડીંગ તૂટી પડી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ રાઇસ મિલની ત્રણ માળની ઇમારતમાં 200 મજૂરો રહેતા હતા. બિલ્ડિંગ ધરાશાયી થયાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ અને સામાજિક સંસ્થાઓ ઘટનાસ્થળે પહોંચી હતી. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી અને કાટમાળમાંથી મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બિલ્ડિંગ ધરાશાયી થવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી.
જીલ્લા એસપીએ આ ઘટના અંગે કહ્યું કે ખૂબ જ દુઃખદ ઘટના બની છે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે, ડોક્ટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી રહી છે. અત્યાર સુધી 20 ઘાયલ છે અને 4ના મોત થયા છે. કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. કમિટીના રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.