લોકસાહિત્યના બળ સમાન પ્રાદેશિક બોલીઓની ભાષાકીય અને સાહિત્યિક ક્ષમતા અવારનવાર ચર્ચાનો વિષય બને છે
સાંપ્રત -ડૉ. ધર્મેશ ભટ્ટ
મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતમાં કોંકણી નહીં, માલવણી તથા અન્ય બોલીઓ ચલણમાં છે. કોંકણી ગોવા અને કર્ણાટક તથા મહારાષ્ટ્રનાં સીમાવર્તી ક્ષેત્રોમાં બોલાય છે. ગોવાને સ્વતંત્ર રાજ્ય બનાવાયા પછી વર્ષ ૧૯૬૪માં તેની રાજભાષા તરીકે સ્વીકારાતાં તેને ભાષાનો દરજ્જો મળ્યો હતો. દાયકાઓથી આકાશવાણીના ભાષાકીય વિભાગોમાં જુદો કોંકણી વિભાગ છે. મરાઠી ભાષાના અગ્રણી પત્રકાર અને નાટ્યવિવેચક સંજય ડહાળે કહે છે કે માલવણી બોલીની તાકાત એવી છે કે મરાઠી રંગમંચ પર માલવણી નાટકોનું ‘સ્પેશિયલ માર્કેટ’ છે. માલવણી નાટક ‘વસ્ત્રહરણ’ના પ્રયોગોની સંખ્યા વિક્રમરૂપ છે. માલવણી વાનગીઓનું પણ અલગ બજાર છે. એ પ્રાંતીય સંસ્કૃતિનાં પહેરવેશ અને ખાણીપીણીની ખાસ ઇવેન્ટ્સ ‘માલવણી જત્રા’ અવારનવાર યોજાય છે. બોલીમાં જે ક્ષમતાઓ હોય છે, તેનાં ઉત્તમ ઉદાહરણોમાં એક માલવણી છે. માલવણી અને આગરીને કોંકણી ભાષાની બોલી તરીકે પણ ગણવામાં આવે છે.
પત્રકારત્વમાં રોજ નવા વિષયોના વિચાર-સમાચાર રજૂ કરવામાં વૈકલ્પિક શબ્દોની જરૂરિયાત બોલીઓના વિવિધ શબ્દોના સમન્વયથી પૂરી કરી શકાય છે. બોલીઓ લોકસાહિત્યને સમૃદ્ધ બનાવવા ઉપરાંત અનેક રીતે ઉપયોગી છે. રમૂજ હોય, કહેવતોની રસપ્રચુરતા હોય કે સાંસ્કૃતિક વૈવિધ્ય હોય, એવી અનેક બાબતોની અભિવ્યક્તિમાં બોલીઓ સક્ષમ છે. દરેક પ્રદેશના લોકોની બોલચાલ અને લખાણમાં સ્થાનિક બોલીનાં લહેકા અને લઢણો અપ્રકટ રહેતાં નથી. ત્રણેક સદીઓથી મુંબઈમાં વસતા ગુજરાતીઓએ સુરતી, ચરોતરી, પટ્ટણી, કાઠિયાવાડી અને કચ્છી ઉપરાંત મુંબઈના ગુજરાતી રૂપે બોલી અથવા ભાષાકીય શૈલી વિકસાવી છે.
તમિળનાડુના અંતરિયાળ પ્રદેશોમાં ઇરાવલા અથવા એરાવલા નામે એક બોલી પ્રચલિત છે. ઇરાવલા ‘આદિવાસી બોલી’ તરીકે ઓળખાય છે, પરંતુ તેના વ્યાપને ધ્યાનમાં રાખીને તેને ભાષા જેટલી જ સક્ષમ ગણાવાય છે. મહારાષ્ટ્રની ખાનદેશી બોલીમાં મરાઠી અને ગુજરાતી બન્ને ભાષાઓના અંશો જોવા મળે છે, એ રીતે ઇરાવલા બોલીમાં તમિળ અને મલયાલમ બન્ને ભાષાઓના અંશો છે. ઇરાવલા તમિળ પ્રાંતોમાં મધ્યયુગીન સંસ્કૃતિના ગાળામાં પ્રચલિત થઈ હતી. ઘણા વિદ્વાનો ઇરાવલામાં ઉચિત વ્યાકરણના અભાવનો દાવો કરે છે, પરંતુ દ્રવિડિયન લિન્ગ્વિસ્ટિક્સમાં ઇરાવલા મહત્ત્વપૂર્ણ છે. કેટલાક ભાષાપ્રેમીઓ કહે છે કે મૂળ રૂપે બોલાતી ભાષાઓ સરખી હોય છે અને તેમાંથી જે બોલી સત્તાતંત્રમાં બિરાજતા મહાનુભાવો અને વ્યાપક જનસમુદાયને સારી લાગે તેને અપનાવીને તેના વ્યાકરણ રચાય અને સાહિત્ય રચાય છે. જોકે બોલીઓ કે ભાષાઓ અપનાવવામાં કે તેમનો વ્યાપ વધવામાં સામાજિક-રાજકીય પરિબળો પ્રભાવક હોતાં નથી. ઇરાવલાનો વ્યાપ જોતાં તેને ફક્ત આદિવાસીઓની ભાષા કે બોલી કહીને ઓછી આંકવી યોગ્ય નહીં હોવાનું કેટલાક દક્ષિણી ભાષાશાસ્ત્રીઓ કહે છે.
હાલમાં ભારતની લગભગ ૫૭૧ બોલીઓમાંથી કચ્છી સહિત ૩૬ બોલીઓ ભાષાના દરજ્જા માટે પ્રયત્નશીલ હોવાનું સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન લૅન્ગ્વેજીસ (સીઆઈઆઈએલ)ના પુણેસ્થિત વેસ્ટર્ન રિજનલ લૅન્ગ્વેજ સેન્ટરનાં ભાષાશાસ્ત્રી સુજાતા ભુજંગે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સીઆઈઆઈએલનાં ચાર પ્રાંતીય મથકો સહિત સાત કેન્દ્રો (મૈસુર, પટિયાલા, પુણે, સોલન-હિમાચલ, લખનઊ, ગુવાહાટી અને ભુવનેશ્ર્વર) ખાતે ભાષાકીય શિક્ષણ અને સંશોધનની પ્રવૃત્તિ થાય છે.
માલવણીની માફક કચ્છ પ્રાંતની કચ્છી બોલીની સાંસ્કૃતિક વિશેષતાઓ નોંધપાત્ર છે. કચ્છી બોલીને સ્વતંત્ર ભાષાના દરજ્જા આપવા બાબતે લાંબા વખતથી પ્રયત્નો ચાલે છે. ગુજરાતના સંશોધનકાર અને ભાષાશાસ્ત્રી મહેન્દ્રભાઈ દોશીએ કચ્છીમાં રચાતા સાહિત્ય (નાટકો, કાવ્યો, વાર્તાઓ, પરંપરાગત લોકસાહિત્ય) અને વ્યાકરણના માળખા સહિત એ બોલીને સ્વતંત્ર ભાષાનો દરજ્જો આપવાનો કેસ સક્ષમ રીતે તૈયાર કર્યો છે. મહેન્દ્રભાઈના સંશોધન અને પ્રયાસોમાં ડૉ. દર્શના ધોળકિયા જેવાં વિદ્વાનોએ પણ સહયોગ આપ્યો હતો. મહેન્દ્રભાઈ કહે છે કે કચ્છીને ‘જાડેજી કચ્છી’, ‘કુરો- કુજોડી કચ્છી’ અને ‘બબાની બોલી’ તરીકે ઓળખાવાય છે. સામુદાયિક અને પ્રાદેશિક વર્ગીકરણ પ્રમાણે આ બોલીના વાઘેરી, હાલારી કચ્છી સહિત ૧૨ પ્રકારો નોંધાયા છે. કચ્છી લખવાની લિપિ ગુજરાતી, ખોજકી અને પર્સો-અરેબિક છે. ભૌગોલિક વર્ગીકરણ અનુસાર કચ્છની ઉત્તર સરહદ ક્ષેત્રમાં બન્ની કચ્છી, પશ્ર્ચિમ સરહદ ક્ષેત્રમાં વાગડી કચ્છી અને પૂર્વ કચ્છ ક્ષેત્રમાં માંડવી કચ્છી ઉપબોલી રૂપે પ્રચલિત છે. ‘ઉઈંઊંજઇંઅ’ પોર્ટલ પર કચ્છી ભાષાની ઑનલાઇન તાલીમનો કોર્સ પણ ભણાવાય છે. મહેન્દ્રભાઈ કહે છે કે બોલીને ભાષાના દરજ્જા માટે દસ્તાવેજી તૈયારી કરી છે, પરંતુ સત્તાતંત્ર આ વિષય તરફ ધ્યાન આપતું નથી. જે રીતે ક્લાસિકલ લૅન્ગ્વેજના દરજ્જા માટે નિશ્ર્ચિત પ્રોસીજર પ્રમાણે કાર્યવાહી થાય છે, એ રીતે બોલીને ભાષાના દરજ્જા માટે નિર્ધારિત રીતરસમ જોવા મળતી નથી.
છેલ્લાં બે વર્ષમાં ગુજરાતના બે મુખ્ય પ્રધાનો વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલને મળીને અરજીઓ અને ફાઇલો સુપરત કરી છે અને જવાબની રાહ જોઇએ છીએ. આવશ્યકતા જણાય તો અમે કેન્દ્ર સરકારના યોગ્ય સત્તાતંત્ર સમક્ષ રજૂઆત કરીશું. સરકારી તંત્ર ભાષાકીય વિષયોને પણ અન્ય કેટલાક વિષયો જેટલું પ્રાધાન્ય આપે એવી અપેક્ષા ભાષાશાસ્ત્રીઓ વ્યક્ત કરે છે.