મુંબઈ: આગામી મહિને શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં લગભગ ૩૦,૦૦૦ શિક્ષકની ભરતી કરવામાં આવશે, એમ મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે જણાવ્યું હતું.
પ્રધાને કહ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં હાલના આરક્ષણ ધોરણોનું પાલન કરવામાં આવશે અને ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રાજ્ય શાળા શિક્ષણ વિભાગ પ્રથમ તબક્કામાં ૩૦,૦૦૦ શિક્ષકની ભરતી કરશે. અમે આ વર્ષે જૂનમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલાં પ્રક્રિયા પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ.
શિક્ષણ પ્રધાન કેસરકરે જણાવ્યું હતું કે રાજ્ય બીજા તબક્કામાં ૨૦,૦૦૦થી વધુ શિક્ષકની ભરતી કરવાની પણ યોજના બનાવી રહ્યું છે . તેમણે કહ્યું હતું કે બીજા તબક્કામાં કેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તે વિદ્યાર્થીઓના આધાર વેરિફિકેશન પછી નક્કી કરવામાં આવશે.
થોડા દિવસ પહેલા વિધાનસભામાં જણાવ્યું હતું કે શિક્ષકોની 30,000 ખાલી જગ્યાઓ ટીચર એપ્ટિટ્યુડ એન્ડ ઈન્ટેલિજન્સ ટેસ્ટ (TAIT) દ્વારા ભરવામાં આવી રહી છે અને આ પ્રક્રિયા એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે. મંત્રીએ કહ્યું કે વર્ષમાં બે વખત TAITનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતા કેસરકરે જણાવ્યું હતું કે બે ખાનગી એજન્સી – IBPS અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસને ભરતીનું કામ સોંપવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે આ કંપનીઓ કેન્દ્ર સરકાર માટે પણ કામ કરે છે અને વિશ્વસનીય છે. ભરતી પ્રક્રિયા એપ્રિલ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને આગામી શૈક્ષણિક વર્ષમાં શિક્ષકો ઉપલબ્ધ થશે, એમ તેમણે જણાવ્યું હતું.