મંગળવારે સાંજે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં હોળીના દિવસે એક કારની ટક્કરથી ત્રણ વર્ષની બાળકીનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે આરોપી ડ્રાઈવર દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો. આ ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે ડ્રાઇવર વિનોદ યાદવે તેના મિત્ર ઓમ ચૌધરી (25) અને તેની ત્રણ વર્ષની પુત્રી સ્વાતિને બીકેસીમાં ટ્રાઇડેન્ટ હોટલ પાસે જોયા બાદ લિફ્ટ આપી હતી. ચૌધરીએ યાદવને તેને ખેરવાડી ખાતે મૂકવા વિનંતી કરી હતી અને યાદવ તે સમયે કંઈ કરી રહ્યો ન હોવાથી તે સંમત થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. યાદવે ગાડી ચલાવતો હતો અને ચૌધરી તેમની નાની દીકરી સ્વાતિને ખોળામાં લઈને તેની બાજુમાં બેઠા હતા.
જ્યારે તેમની સ્વિફ્ટ ડિઝાયર કાર BKC ખાતે નાબાર્ડ સિગ્નલ પસાર કરી રહી હતી, ત્યારે બીજી બાજુથી લાલ ફોક્સવેગન પોલો ખૂબ જ ઝડપે વાહન સાથે અથડાઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે સ્વાતિનું માથું ડેશબોર્ડ સાથે અથડાયું અને તેને લોહી નીકળવા લાગ્યું હતું. યાદવ અને ચૌધરીને પણ ગંભીર ઈજાઓ થઈ હતી અને ત્રણેયને તુરંત સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન સ્વાતીનું મૃત્યુ થયું હતું. બાદમાં, યાદવ બીકેસી પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં તેમની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ દુર્ઘટના બાદ તરત જ વિસ્તારના લોકોએ લાલ ફોક્સવેગન પોલોના ચાલકને પકડી લીધો અને તેને સ્થાનિક પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ કારચાલક આરોપી વિશ્વાસ અટ્ટવર (54)ની ધરપકડ કરી છે. તે કથિત રીતે દારૂના નશામાં વાહન ચલાવતો હતો. પોલીસે જણાવ્યું કે અટ્ટવર એક પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો જ્યાં તેણે દારૂ પીધો હતો. અટ્ટવર હાલ પોલીસ કસ્ટડીમાં છે. વધુ તપાસ ચાલુ છે.