(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં કોવિડના નવા દર્દીની સંખ્યા વધવાની સાથે જ કોવિડના દર્દીના મૃત્યુ થવાનું પ્રમાણ પણ વધી ગયું છે. શુક્રવારે રાજ્યમાં ૯૦૬ નવા દર્દી નોંધાયા હતા. તો ત્રણ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા હતા. જ્યારે મુંબઈમાં કોવિડના ૨૭૬ દર્દી નોંધાયા હતા.લાંબા સમય બાદ રાજ્યમાં શુક્રવારે કોવિડના નવા દર્દીનો આંકડો ૯૦૬ પર પહોંચી ગયો હતો. એ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૮૧,૪૮,૫૯૯ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૪૨૩ દર્દી કોરોનાથી સાજા થયા હતા. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી સાજા થનારાની સંખ્યા ૭૯,૯૫,૬૫૫ થઈ ગઈ છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૧૨ ટકા થઈ ગયો છે.
શુક્રવારે રાજ્યમાં કોરોનાના ત્રણ દર્દીનાં મૃત્યુ થયા હતા, જેમાં રાયગઢમાં એક, કોલ્હાપુરમાં એક અને ગોંદિયામાં એક મૃત્યુ નોંધાયું હતું. રાજ્યનો મૃત્યુદર ૧.૮૨ ટકા છે. રાજયમાં હાલ સક્રિય દર્દીની સંખ્યા ૪,૪૮૭ છે.મુંબઈમાં શુક્રવારે કોરોનાના ૨૭૬ કેસ નોંધાતા અત્યાર સુધીનો કોરોનાનો કુલ આંકડો ૧૧,૫૮,૪૬૦ થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૩ દર્દીને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સાત દર્દીને ઑક્સિજનની જરૂર પડી હતી. શુક્રવારે ૧૭૭ દર્દી કોરોનાથી સાજા થયા હતા. એ સાથે જ અત્યાર સુધી કોરોનાથી મુક્ત થયેલા દર્દીનો આંકડો ૧૧,૩૭,૩૪૪ થઈ ગયો છે. મુંબઈમાં દિવસ દરમિયાન ૧,૪૫૬ કોરોનાના ટેસ્ટ થયા હતા.