૧૧ દિવસમાં ગુજરાતમાં ભૂકંપના નવ આંચકા
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: તુર્કી અને સીરિયામાં આઠ દિવસ પૂર્વે આવેલા ભૂકંપથી વિશ્ર્વમાં એરેરાટી ફેલાઇ છે જ્યારે બીજી તરફ ભૂકંપગ્રસ્ત કચ્છમાં આજે શનિવારે ફરી ભૂકંપના આંચકાએ દહેશત ફેલાવી છે. બપોરે ૧૩ અને ૫૧ મિનિટે રિક્ટર સ્કેલ પર ૩.૭ની તીવ્રતા ધરાવતા ધરતીકંપના આંચકાએ ફરી અંજાર નજીકના દુધઈ અને તેની આસપાસના વિસ્તારોને ઘમરોળતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. કચ્છ સહિત ગુજરાતમાં ફેબ્રુઆરીના પ્રથમ ૧૧ દિવસમાં ભૂકંપના કુલ્લે ૯ આંચકાઓ નોંધાઈ ચૂક્યા છે.
તુર્કી અને સીરિયામાં આવેલા ૨૩૦૦૦ જેટલા લોકોને ભરખી જનારા મહાવિનાશક ભૂકંપ અગાઉ જ તુર્કીમાં ભૂકંપ આવવાની સચોટ આગાહીં ડચનાં સોલાર સિસ્ટમ જીઓમેટ્રી સર્વેના સંશોધક ફ્રેન્ક હુગરબીટસે ટ્વિટર પર કરી હતી અને હવે આ જ ભૂસ્તરશાસ્ત્રીએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને પશ્ર્ચિમ ભારતના વિસ્તારોમાં તુર્કીની પેટર્ન પ્રમાણેનો ધરતીકંપ આવવાની આગાહી કરતાં લોકોમાં ગભરાટ વધુ ઘેરો બનવા પામ્યો છે. કચ્છ આમ પણ ભૂકંપગ્રસ્ત ઝોન-૫માં આવે છે અને ૧૮૧૯,૧૯૫૬ અને ૨૦૦૧ના વિનાશક ભૂકંપનો અનુભવ કરી ચૂક્યું છે તે જોતાં લોકોમાં ભય ફેલાવો સ્વાભાવિક છે. ભારતના સૌથી વધુ ભૂકંપની શક્યતા ધરાવતા ૩૨ શહેરોમાં ભૂજનો સમાવેશ પણ થાય છે તે વાત પણ ચિંતા ઉપજાવે તેવી છે. દરમ્યાન કચ્છમાં ફરી શરૂ થયેલી ભુગર્ભીય હિલચાલની અસર હવે રિયલ-એસ્ટેટ ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. ભૂકંપમાં જર્જરિત થઇ ગયેલા એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારો હવે જમીનસોતાં મકાનો ભણી વળી રહ્યા છે જેને લઈને જમીનસોતાં મકાનોના ભાડાંમાં પણ વધારો થઇ રહ્યો છે.
૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના ભૂકંપ બાદ મકાનો ભાડેથી મેળવવાની દોડ લાગી હતી અને લોકો ભુજ-અંજાર ગાંધીધામથી સ્થળાન્તર કરી જઈને છેક ૫થી ૧૫ કિમી દૂર આવેલા ભાડાંના મકાનોમાં રહેવા જવું પડ્યું હતું. ભુજમાં જમીનસોતાં મકાનોના ભાડાં દોઢ ગણા થઇ જવા પામ્યાં છે. ધરતીકંપ ફરી વખત એક સંવેદનશીલ મુદ્દો બનવા પામ્યો છે. કચ્છમાં પણ ફરી ભૂકંપ આવશે,આવશે તેવી વાતોથી ડર લાગી રહ્યો હોવાનું ધરતીકંપમાં પોતાના પતિ અને બે ભત્રીજાઓને ગુમાવનારા ભાનુબેન ઠક્કરે જણાવ્યું હતું. ઉ