મુંબઈ, થાણેના માર્ગનો સમાવેશ, રાયગડમાં પણ સુવિધા
મુંબઈ: વાહનોની સંખ્યા સતત વધી રહી હોવાથી સીએનજી ઇંધણની માગમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. આને કારણે જ મુંબઈ, થાણે અને રાયગડમાં નવા ૨૯૬ પંપ બેસાડવામાં આવશે. આ માટે મહાનગર ગેસ લિમિટેડે ૫૦૦થી ૧૨૦૦ ચોરસ મીટર ક્ષેત્રની જમીનની માગ કરી છે.
મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ) એ કેન્દ્ર સરકારની ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની પેટાકંપની છે. એમજીએલ દ્વારા ઈંધણ તરીકે ગેસપુરવઠો કરવામાં આવે છે. મુંબઈમાં તમામ રિક્ષા, ટેક્સી, કેબ અને અનેક બસો સીએનજી પર દોડે છે. આ સીએનજીનો પુરવઠો એમજીએલ દ્વારા કરવામાં આવે છે. આ માટે હાલમાં કંપની પાસે મુંબઈમાં અંદાજે ૩૦૦ પંપ છે. જોકે હવે વધુ નવા ૨૯૬ પંપ કંપનીએ શરૂ કરવા છે. આ માટે મુંબઈ, થાણે અને રાયગડ જિલ્લા એમ ત્રણેય ભાગો માટે કંપનીએ અરજી મગાવી છે.