Homeઆમચી મુંબઈચાર મહિનામાં ૨૯૦૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

ચાર મહિનામાં ૨૯૦૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મુંબઈ મહાનગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે. જે હેઠળ છેલ્લા ચાર મહિનામાં મુંબઈના જુદા જુદા વિસ્તારમાંથી ૨૯૦૬ કિલોગ્રામ જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા પાસેથી ૨૯ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં મોટી સંખ્યામાં લોકો પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરી રહ્યા છે. તેથી પહેલી જુલાઈ, ૨૦૨૨થી આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે પાલિકાના જુદા જુદા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાલિકાના માર્કેટ, શોપ ઍન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને લાઈસન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ઈન્સ્પેક્શન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને મૉલ, સુપર માર્કેટ અને દુકાનો પર ખાસ નજર રાખવામાં આવે છે.
પાલિકાના જણાવ્યા મુજબ ૨૮ જુલાઈના શોપ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ખાતા દ્વારા મુંબઈમાં ૭૧૨ જગ્યાએ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
પહેલી જુલાઈ, ૨૦૨૨થી ૨૮ ઑક્ટોબર, ૨૦૨૨ સુધીના ચાર મહિનામાં કુલ ૭૪,૩૨૫ જગ્યાએ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. પ્રતિબંધિત પ્લાસ્ટિકના કુલ ૫૮૦ પ્રકરણ નોંધાયા હતા. અત્યાર સુધી ૨૯૦૬.૪૦૨ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. ચાર મહિનામાં કુલ ૨૯ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે ૨૦૧૮ની સાલમાં કાયદો લાવીને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેને મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં અમલમાં મૂક્યો હતો. કાયદાનો ભંગ કરનારા પાસેથી ૫,૦૦૦થી લઈને ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવે છે, તેમ જ ત્રણ મહિનાની સજાની પણ જોગવાઈ છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -