(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ચોમાસા પહેલા મુંબઈના નાળાઓને સાફ કરીને ચોમાસામાં મુંબઈ જળબંબાકાર થતા બચાવવાના પ્રયાસમાં લાગી ગઈ છે. જોકે આ વખતે મુંબઈમાં જૂનથી સપ્ટેમ્બર સુધીમાં ૨૯ દિવસ દરિયામાં મોટી ભરતી રહેશે અને દરિયામાં મોજા ૪.૫૦ મીટરથી પણ ઊંચા ઊછળશે.
પાલિકાના ડેટા મુજબ પહેલી સપ્ટેમ્બરના બપોરના ૧૨.૪૪ વાગે દરિયામાં મોટી ભરતી હશે અને એ દરમિયાન ૪.૮૮ મીટરથી પણ ઊંચા મોજા ઊછળશે, જ્યારે ૩ ઑગસ્ટના મોટી ભરતી દરમિયાન દરિયામાં મોજા ૪.૮૭ મીટર ઊંચા ઊછળશે અને ૪ ઑગસ્ટના બપોરના ૧.૫૬ વાગે મોટી ભરતી દરમિયાન દરિયામાં મોજા ૪.૮૭ મીટરથી પણ ઊંચા ઊછળશે.
છેલ્લા બે ચોમાસામાંથી આ વખતે સૌથી વધુ મોટી ભરતી છે. ૨૦૨૨ની સાલમાં ૨૨ દિવસ તો ૨૦૨૧માં ૧૮ દિવસ દરિયામાં મોટી ભરતી હતી.
દરિયામાં મોટી ભરતી દરમિયાન મોજા જો ૪.૫ મીટરથી ઊંચા ઊછળે તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન પાણીમાં ડૂબી જવાની ભારોભાર શક્યતા હોય છે.
જૂન મહિનામાં ચારથી ૮ જૂન સુધી પાંચ દિવસ મોટી ભરતી છે. જુલાઈ મહિનામાં ૩ જુલાઈથી ૮ જુલાઈ છ દિવસ સુધી બપોરના સમયમાં મોટી ભરતી છે. ઑગસ્ટ મહિનામાં ૧લીથી છ ઑગસ્ટ અને ૩૦ તથા ૩૧ ઑગસ્ટના દરિયામાં મોટી ભરતી હશે. સપ્ટેમ્બર મહિનામાં એકથી ત્રણ સપ્ટેમ્બર અનેે ૨૮,૨૯ અને ૩૦ સપ્ટેમ્બર એમ છ દિવસ બપોરના સમયમાં મોટી ભરતી હશે.
નોંધનીય છે કે ભરતી સમયે પાલિકા દરિયાના પાણી શહેરમાં ઘૂસી ના આવે તે માટે ફ્લડગેટ બંધ કરી દેતી હોય છે. આ દરમિયાન જો ભારે વરસાદ પડે તો વરસાદી પાણીનો નિકાલ દરિયામાં થઈ શકતો નથી અનેે શહેરના વિસ્તારો પાણીમાં ડૂબી જતા હોય છે.