મુંબઈ: શિરડી-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે શરૂ થયો ત્યારથી ૧૧થી ૨૦ ડિસેમ્બર સુધીના સમયગાળામાં અકસ્માતની કુલ ૨૯ ઘટના બની છે. આ ઘટનામાં એકનું મોત થયું હતું, જ્યારે ૩૩ જણ ઘાયલ થયા હતા. એક્સપ્રેસ વે સતત ટ્રાફિક નિયમોનાં ઉલ્લંઘન પણ વધી રહ્યાં છે અને તેના પર નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકાર અસફળ રહી છે. ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન પૈકી ગતિમર્યાદાનું મોટા પાયે ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનું જોવા મળ્યું હતું.
નાગપુરથી શિરડી સમૃદ્ધિ એક્સપ્રેસ વે ૧૧મી ડિસેમ્બરે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ માર્ગને કારણે તમે બે શહેરનું અંતર પાંચ કલાકમાં પૂરું કરી શકો છો. એક્સપ્રેસ વે પર ભારે વાહન માટે પ્રતિકલાક ૮૦ કિમીની અને હળવાં વાહન માટે પ્રતિકલાક ૧૨૦ કિમીની ગતિમર્યાદા રાખવામાં આવી છે. જોકે પહેલા ત્રણ દિવસમાં જ બે અકસ્માત થયા હતા. ગતિમર્યાદાનું ઉલ્લંઘન કરીને બેકાળજીપણે વાહન ચલાવવું, અન્ય વાહનોના નિયમોનું ઉલ્લંઘન કરીને તેને ઓવરટેક કરવું જેવાં કારણોને લઇ આ એક્સપ્રેસ વે અકસ્માત ઝોન બની રહ્યો છે.
એક્સપ્રેસ વે શરૂ કરવામાં આવ્યો ત્યારથી ૨૦મી ડિસેમ્બર સુધીમાં ૨૯ અકસ્માતની નોંધ થઇ હોવાની માહિતી એક્સપ્રેસ વે ટ્રાફિક પોલીસે આપી હતી. આ ઘટનામાં એકનું મોત થયું હતું જ્યારે ૩૩ જણ ઘાયલ થયા હતા. સૌથી વધારે અકસ્માત બૂલઢાણા જિલ્લામાં ૯ અને જાલના જિલ્લામાં ૮ અકસ્માતની નોંધ થઇ હતી.