શનિવાર રાતથી સોમવાર સવાર સુધી લોકલ ટ્રેનસેવા ખોટકાશે
બ્લોક વખતે એસી લોકલ દોડાવાશે નહીં, બેસ્ટ વિશેષ બસ દોડાવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેમાં શનિવાર-રવિવારના કર્નાક બ્રિજના ડિમોલેશનની મેજર કામગીરીને કારણે લોકલ અને લાંબા અંતરની ટ્રેનોનું સમયપત્રક ખોટકાશે, જેમાં પ્રવાસીઓની સુવિધા માટે બેસ્ટ પ્રશાસન દ્વારા વિશેષ બસ દોડાવશે, એમ પ્રશાસને જણાવ્યું હતું. સીએસએમટી-મસ્જિદ સ્ટેશનની વચ્ચે અપ એન્ડ ડાઉન હાર્બર લાઈન સહિત મેઈન લાઈનની અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં ૨૭ કલાકનો પાવર અને ટ્રાફિક વિશેષ બ્લોક હાથ ધરાશે. શનિવારના રાતના અગિયાર વાગ્યાથી ૨૦મી નવેમ્બરના રવિવારના બપોરના ચાર વાગ્યા સુધી અપ એન્ડ ડાઉન સ્લો લાઈનમાં ૧૭ કલાક બ્લોક લેવાશે, જ્યારે અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં શનિવારના રાતના અગિયાર વાગ્યાથી રવિવારના બપોરના ચાર વાગ્યા સુધી ૧૭ કલાક બ્લોક રહેશે. ઉપરાંત, હાર્બર લાઈનમાં અપ એન્ડ ડાઉન લાઈનમાં શનિવારના ૧૧.૦૦ વાગ્યાથી રવિવારે રાતના આઠ વાગ્યા સુધી ૨૧ કલાક તથા સાતમી લાઈન (યાર્ડ)માં શનિવારે રાતના અગિયાર વાગ્યાથી મોડી રાતના (સોમવાર) બે વાગ્યા સુધી કુલ ૨૭ કલાકનો બ્લોક રહેશે, પરિણામે અપ એન્ડ ડાઉન લાઈન (તમામ લાઈન)ની લોકલ ટ્રેનોની સાથે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોની અમુક સર્વિસીસ રદ રહેશે, જ્યારે મોટા ભાગની ટ્રેનો તેના નિયત સમય કરતા મોડી દોડી શકે છે, તેથી આગામી અઠવાડિયા દરમિયાન ટ્રેનોમાં મુસાફરી કરવાનું પ્રવાસીઓ માટે હાલાકીભર્યું સાબિત થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વડાલાથી સીએસએમટી, ભાયખલાથી સીએસએમટી વચ્ચે લોકલ ટ્રેનો રદ
૧૯/૨૦મી નવેમ્બરના વિશેષ બ્લોક દરમિયાન સીએસએમટીથી વડાલા રોડ અપ એન્ડ ડાઉન અને ભાયખલાથી સીએસએમટી વચ્ચે અપ એન્ડ ડાઉન સ્લો લાઈન, અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનની ટ્રેનો રદ રહેશે. બ્લોક દરમિયાન સીએસએમટી-ભાયખલા અને વડાલા રોડ અને સીએસએમટી વચ્ચે લોકલ ટ્રેનની સર્વિસીસ ઉપલબ્ધ રહેશે નહીં. મેઈન લાઈનમાં અપ એન્ડ ડાઉન લાઈનની લોકલ ટ્રેનોને ભાયખલા, પરેલ, દાદર અને કુર્લામાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, જ્યારે ભાયખલા, પરેલ, દાદર, કુર્લા અને થાણે વચ્ચે ટ્રેનોની ઓછી સર્વિસીસ રહેશે. મેઈન લાઈનના માફક હાર્બર લાઈનમાં વડાલાથી અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, પરિણામે વડાલા રોડ અને કુર્લા સ્ટેશનની વચ્ચે લોકલ ટ્રેનોની મર્યાદિત સર્વિસીસ રહેશે. બ્લોક દરમિયાન રવિવારે એસી (એરકન્ડિશન્ડ) લોકલ ટ્રેનોની સર્વિસીસ દોડાવવામાં આવશે નહીં. બ્લોકના સમયગાળા દરમિયાન પ્રવાસીઓની સુવિધા માટે બેસ્ટ પ્રશાસન દ્વારા વિશેષ બસ દોડાવવામાં આવશે. બ્લોક દરમિયાન લાંબા અંતરની ૩૬ જેટલી મેલ-એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.