ખરગોન /ભોપાળ: મધ્ય પ્રદેશના ખરગોન પાસે પૂરપાટ વેગે બ્રિજ પરથી પસાર થતી બસ રેલિંગ તોડીને નદીમાં પડતાં ૨૪ જણ માર્યા ગયા હતા અને ૪૧ જણ ઘાયલ થયા હતા. મંગળવારે સવારે ૮.૪૦ વાગ્યે આ દુર્ઘટના બની હતી. ખરગોન જિલ્લાનો પણ અખત્યાર સંભાળતા ખેતીવાડી ખાતાના પ્રધાન કમલ પટેલે જણાવ્યું હતું કે નદીમાં પાણી નહીં હોવાથી ઘણા પ્રવાસીઓને ગંભીર ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને વિવિધ હૉસ્પિટલોમાં સારવાર અપાઈ રહી છે. ગંભીર ઇજા પામેલા ૧૮ જણને ઇન્દોરની હૉસ્પિટલમાં અને ૨૩ ઇજાગ્રસ્તોને ખરગોનની ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.
કમલ પટેલે જણાવ્યું હતું કે બસની ક્ષમતાથી વધુ મુસાફરો તેમાં ભરવામાં આવ્યા હોવાનું અને અસાધારણ વેગથી દોડતી હોવાનું જાણવા મળ્યા પછી ખરગોન જિલ્લાના આસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસર (એઆરટીઓ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ૩૭ મુસાફરોની ક્ષમતા ધરાવતી બસમાં ૭૦ મુસાફરો હતા. અગાઉ રાજ્યના અધિકારીઓએ બસમાં ૫૦ મુસાફરો હોવાનું જણાવ્યું હતું. આ દુર્ઘટના બન્યા પછી અતિશય વેગપૂર્વક વાહનો દોડાવનારા અને બેઠકોની સંખ્યાથી વધારે મુસાફરોને ભરતાં વાહનો સામે અભિયાન શરૂ કરાયું છે.
મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ પ્રસારમાધ્યમોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે બસ સૂકી પડેલી બોરડ નદીના વિશાળ પટ પરના દોસંગા બ્રિજ પરથી નીચે ગબડી ત્યારપછી આસપાસના ગામોમાં રહેતા લોકો તરત ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બસની બારીઓમાંથી અને પાછળના ભાગમાંથી બહાર કાઢીને મુસાફરોને બચાવ્યા હતા. ગરમીમાં બસમાંથી બહાર કઢાયેલા મુસાફરોને ગામવાસીઓએ પાણી પીવડાવવા સહિત સહાય કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ખરગોનમાં બસ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો માટે શોક અને તેમના પરિવારો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમણે પ્રત્યેક મૃતકના નજીકના સગાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યેક મુસાફરના નજીકના સગાને એક્સ ગ્રેશિયા ૪ લાખ રૂપિયા, ગંભીર ઇજા પામેલા દરેક મુસાફરને ૫૦,૦૦૦ રૂપિયા અને સાધારણ ઇજા પામેલા દરેક મુસાફરને ૨૫,૦૦૦ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ખરગોનના કલેક્ટર શિવરાજસિંહ વર્મા, સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ ધર્મવીરસિંહ અને સ્થાનિક વિધાનસભ્ય રવિ જોશી સહિત અનેક લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓએ અકસ્માતના સ્થળ અને હૉસ્પિટલમાં સારવાર લેતા મુસાફરોની મુલાકાત લીધી હતી. ખરગોનના વતની એવા કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને કૉંગ્રેસના નેતા અરૂણ યાદવે આ કરુણાંતિકા માટે દુઽ:ખ વ્યક્ત કર્યું હતું. (એજન્સી)