(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કેન્દ્ર સરકારે બહાર પાડેલી નવી શિક્ષણ નીતિમાં બાળકને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાની હિમાયત કરી છે, પરંતુ ગુજરાતમાં હવે સરકારી નહીં ખાનગી સ્કૂલો પણ બંધ થઈ રહી છે, જે ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપે છે અને કમનસીબે મોટાભાગના રાજ્યોમાં માતૃભાષાના માધ્યમની શાળાઓની સરેરાશ સ્થિતિ આવી છે.
ગુજરાતી માધ્યમની શાળાને સંખ્યા ન મળતાં એકલા અમદાવાદમાં ૧૮ જેટલી શાળા બંધ કરવાનો વારો આવ્યો છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ ડીઈઓ ઓફિસમાં શહેરમાંથી કુલ ૨૩ શાળાના ટ્રસ્ટી-સંચાલકોએ વિદ્યાર્થીઓના અભાવે શાળા બંધ કરવાની અરજી આપી છે, જેમાંથી લગભગ ૧૮ ગુજરાતી માધ્યમની શાળા હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ ૨૩ અરજી મંજૂર થઈ છે, પરંતુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જે ટૂંક સમયમાં થશે તેમ જાણવા મળ્યું હતું. આથી નવા શૈક્ષણિક વર્ષ માટે આ શાળા પ્રવેશ આપશે નહીં.
આ અરજી આવ્યા બાદ બેઠક બોલાવવામાં આવી હતી. વાલીઓની પણ સહમતી લેવામાં આવી હતી.
મોટા ભાગના વાલીઓએ સહમતી આપી હતી. કોઈપણ બાળક અન્ય શાળામાં પ્રવેશ વિના ના રહે એની પૂરી કાળજી રાખવામાં આવી રહી હોવાનું પણ શિક્ષણ વિભાગે જણાવ્યું હતું.
આ તમામ શાળાએ પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ન મળતા હોવાનું કારણ આગળ ધર્યુ હતું. આ સંદર્ભે ડીઈઓ દ્વારા વડી કચેરીને જાણ કરીને બંધ કરવાની મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે આ શાળામાં આરટીઈ હેઠળ ભણતા વિદ્યાર્થીઓને અન્ય નજીકની શાળામાં પ્રવેશ મળે તેની પણ તકેદારી રાખવામાં આવી હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.