મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે માણસની જરૂરિયાતો સંતોષવાની વ્યવસ્થા કુદરતે કરી છે, પરંતુ લાલચ સંતોષવાની નહીં. માણસની લાલચ દિવસે દિવસે વિકરાળ કે ભયાનક થતી જાય છે. આપણી લાલચને સંતોષવા આપણે એકબીજાના વેરી બની જઈએ છીએ, પરંતુ પર્યાવરણ અને મૂંગા જીવોને પણ છોડતા નથી. દેશમાં વાઘ, હાથી, મોર જેવા પ્રાણીઓનો શિકાર થાય છે, પરંતુ હવે ડોલ્ફીન માછલીનો શિકાર થતો હોવાની ઘટના સામે આવી છે. જોકે આ પહેલી ઘટના નથી, પરંતુ ઓછી બનતી ઘટના છે.
આ ઘટના બની છે ગુજરાતના પોરબંદરમાં. જે ગાંધીજીનું જન્મસ્થળ પણ છે. અહીંથી ડોલ્ફીનનો શિકાર કરતી ગેંગને વન વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે.
22 જેટલી ડોલ્ફીનના મૃતદેહ સાથે 10 જેટલા શખ્સોને ઝડપવામાં આવ્યા છે. પોરબંદરના દરિયામાં ડોલ્ફીનનો શિકાર કરવા માટે આવેલી આ ગેંગ આસામ અને તમિલનાડુની હોવાની માહિતી મળી છે. 10 શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોરબંદર વન વિભાગને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી દરિયામાં ડોલ્ફીનનો શિકાર કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે વન વિભાગની ટીમ હરકતમાં આવી હતી. વન વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં એક બોટ શંકાસ્પદ દેખાતા તેને રોકવામાં આવી હતી અને તેમાં ચેકિંગ કરવામાં આવતા 22 જેટલી ડોલ્ફીનના મૃતદેહો મળી આવ્યા હતા.
જે બોટમાંથી ડોલ્ફીનના મૃતદેહો મળી આવ્યા હતા તેમાં 10 જેટલા શિકારીઓ સવાર હતા. શિકારીઓની વન વિભાગ દ્વારા અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ગેંગના તમામ લોકો સામે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે. કેટલા દિવસથી આ ગેંગ અહીં સક્રિય હતી. અત્યાર સુધીમાં કેટલી ડોલ્ફીનનો શિકાર કરવામાં આવ્યો છે, સહિતની વિગતો અંગે પોરબંદર વન વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આંતરાષ્ટ્રીય માર્કેટમાં ડોલ્ફીનનાં માંસની ઘણી માગ છે. આ કારણે તેનો શિકાર થતો હોવો જોઈએ. જોકે આ શિકારીઓ ડોલ્ફીનના શિકાર કર્યા બાદ શું કરે છે તે અંગે માહિતી મળી નથી, પરંતુ સ્વાભાવિક રીતે આના નાણાં ઉપજતા હોવાથી ગેરકાયદે લોકો આ કામ કરે છે.