વાહનધારકો પાસેથી પખવાડિયામાં ૭૨ લાખ રૂપિયાનો દંડ વસૂલાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને વિરુદ્ધ દિશામાં વાહન ચલાવનારા ૨૦ હજારથી વધુ ડ્રાઈવરો છેલ્લા ૧૩ દિવસમાં દંડાયા હતા. ટ્રાફિક વિભાગે પખાવડિયામાં આવા વાહનધારકો પાસેથી ૭૨ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આડેધડ વાહન ચલાવનારાઓ વિરુદ્ધ અનેક ફરિયાદો મળતાં ટ્રાફિક વિભાગે શહેરમાં ૬ એપ્રિલથી ૧૮ એપ્રિલ દરમિયાન વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં રૉન્ગ સાઈડ ડ્રાઈવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમયગાળામાં ૨૦,૨૦૭ ડ્રાઈવરોને દંડવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ ૧૨ એપ્રિલે ૨,૧૯૫ ડ્રાઈવરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ટ્રાફિક વિભાગ દ્વારા ૨,૧૯૪ ડ્રાઈવરોનાં લાઈસન્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં, જ્યારે ૧,૪૮૮ ડ્રાઈવરોનાં લાઈસન્સ સસ્પેન્ડ-કૅન્સલ કરવાની ભલામણ સંબંધિત વિભાગને કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ૩૦૯ વાહન જપ્ત કરવામાં આવ્યાં હતાં, જ્યારે ૩૦૮ જણ સામે ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.