(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના પ્રખ્યાત બાબુલનાથ મંદિરનાં પગથિયાં નીચેથી મલબારહિલ જળાશયની પાણીની પાઈપલાઈન પસાર થાય છે. ચોમાસા દરમિયાન મલબારહિલ ટેકરી પરની માટી અને પથ્થરોનું મોટા પ્રમાણમાં ધોવાણ થવાને કારણે બાબુલનાથ મંદિર તરફ જનારા પગથિયાંની લાદીઓમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે. તેને કારણે આ જગ્યાની નીચેથી પાણીપુરવઠો કરનારી ૧૧ પાણીની પાઈપલાઈનને જોખમ નિર્માણ થયું છે. તેથી ભવિષ્યમાં દક્ષિણ મુંબઈના પાણીપુરવઠાને ફટકો પડી શકે છે.
મલબારહિલ ટેકરીમાં થયેલા ધોવાણ અને મંદિરનાં પગથિયાંમાં પડેલી તિરાડને જોતા ભવિષ્યમાં દુર્ઘટનાનું જોખમ નિર્માણ થયું છે. તેથી પાલિકાના પાણીપુરવઠા ખાતાએ તાત્કાલિક અહીં સમારકામની સાથે સુરક્ષા ભીંત ઊભી કરવાનો નર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
બાબુલનાથ મંદિર પાસે ટેકરીના ઢોળાવ પર ચોમાસા દરમિયાન માટીનું ધોવાણ થયું હતું. તાજેતરમાં પાલિકાના અધિકારીઓને સર્વેક્ષણ દરમિયાન અહીં ટેકરીનો ભાગ માટીના ધોવાણને કારણે બેસી પડ્યો હોવાનું જણાયું હતું. તો અમુક ઠેકાણે અહીં તિરાડ પડવાની સાથે જ ભીંત પણ નબળી પડેલી જણાઈ આવી હતી.
ટેકરીના બેસી પડેલા ભાગની નીચેથી ૩૦૦ મિલીમીટરથી ૧૨૦૦ મિલીમીટર વ્યાસની મોટી મોટી ૧૧ પાઈપલાઈન પસાર થાય છે. તેથી ભવિષ્યમાં જો ટેકરીનો ભાગ ધસી પડ્યો અને કોઈ દુર્ઘટના ઘટી તો પાણીની પાઈપલાઈન ફૂટી જવાનું જોખમ નિર્માણ થયું છે અને તેને કારણે પાણીપુરવઠાને અસર થઈ શકે છે. તેમ જ મોટા પ્રમાણમાં જીવહાનિ અને વિત્તહાનિ થઈ શકે છે. તેથી અહીં સુરક્ષા ભીંત બાંધવાનો નિર્ણય પાણીપુરવઠા ખાતાએ લીધો છે. આ સુરક્ષા ભીંત ઊભી કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. પાલિકા તે માટે અઢી કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાંચ ઑગસ્ટ, ૨૦૨૦ના થયેલી અતિવૃષ્ટિ દરમિયાન બાબુલનાથ જંકશન પાસે એન.એસ. પાટણકર માર્ગને લાગીને રહેલી ટેકરીનો ઢોળાવનો ભાગ ધસી પડયો હતો. તેથી ટેકરી પરથી જનારા બી.સી. ખેર માર્ગ પણ જોખમી બની ગયો હતો. તેથી અહીં સુરક્ષા ભીંત ઊભી કરવામાં આવી હતી તેમ જ રસ્તા નીચે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પાઈપલાઈન બાંધવા સહિત રસ્તાના કૉંક્રીટીકરણ કરવાનું કામ હાથમાં લેવામાં આવ્યું હતું. આ અંતર્ગત પાંચ મીટર ઊંચાઈની અને ૧૬૦ મીટર લંબાઈની સુરક્ષા ભીંત બાંધવામાં આવી છે.